<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલો રોહિત શર્મા ચેમ્‍પીયન્‍સ ટ્રોફીમાંથી પોતાનું નામ પરત ખેંચી લેશે ?

જો હિટમેન બાકીના બન્‍ને મેચોમાં રન બનાવવામાં નિષ્‍ફળ જશે તો ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાંથી પોતાનું નામ પરત ખેંચી લ્‍યે તેવી શકયતાઃ ગિલ કે હાર્દિક કેપ્‍ટન બની શકે ?

નવી દિલ્‍હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની શરૂઆત 19 ફેબ્રુઆરીએ થવાની છે ત્યારે ટુર્નામેન્ટ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના ફોર્મને લઈને એક મોટું ટેન્શન છે. રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી રન બનાવી શક્યા નથી, વાત કરીએ T20 વર્લ્ડકપની તો 2024 પછી કોઈ મોટો સ્કોર બનાવ્યો નથી જેને લઇએં પણ ટીમમાં તેમના સ્થાનને લઈને સવાલ ઉઠી રહ્યા છે. હાલ તે ઈંગ્લેન્ડ સામે વનડે સીરિઝ રમી રહ્યો છે એ પહેલા તે સતત ફ્લોપ રહ્યો હતો આ વચ્ચે રોહિતને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓ રોહિત શર્મા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખૂબ જ ખરાબ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ તે રન બનાવવામાં નિષ્ફળ ગયો, ત્યારબાદ તેના નિવૃત્તિના સમાચાર પણ સામે આવ્યા. જોકે, તેણે સ્પષ્ટ કર્યું કે તે રમવાનું ચાલુ રાખશે. પરંતુ ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીની પહેલી મેચમાં પણ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું. તે 7 બોલમાં ફક્ત 2 રન બનાવી શક્યો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે જો રોહિત શર્મા શ્રેણીની બાકીની 2 મેચોમાં નિષ્ફળ જાય છે, તો તે પોતે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પોતાનું નામ પાછું ખેંચી શકે છે.

આનો અર્થ એ થયો કે ઇંગ્લેન્ડ શ્રેણીની બાકીની 2 મેચ રોહિત શર્મા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. જો રોહિત આ મેચોમાં પણ રન બનાવવામાં અસમર્થ રહે છે, તો તે મોટો નિર્ણય લઈ શકે છે. તે જ સમયે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જો રોહિત બહાર થાય છે, તો હાર્દિક પંડ્યા આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની સુકાની સંભાળી શકે છે. જોકે, હાલમાં શુભમન ગિલ ભારતીય ODI ટીમનો ઉપ-કેપ્ટન છે. પરંતુ હાર્દિક પંડ્યા પાસે કેપ્ટનશીપનો વધુ અનુભવ છે અને તેણે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે.

રોહિત શર્માએ 2024ના T20 વર્લ્ડ કપ પછી કુલ 8 ટેસ્ટ મેચ અને 4 ODI મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે ટેસ્ટમાં માત્ર164 રન બનાવ્યા છે, જેની સરેરાશ 11 છે, જેમાં ફક્ત 1 અડધી સદીનો સમાવેશ થાય છે. બીજી તરફ, ODI માં તેણે 39.75 ની સરેરાશથી 159 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. પરંતુ તેણે આ બંને અડધી સદી 2024ના T20 વર્લ્ડ કપ પછી શ્રીલંકા પ્રવાસ પર રમાયેલી ODI શ્રેણીમાં ફટકારી હતી. તે જ સમયે, છેલ્લી 10 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં, તે ફક્ત 3 વાર જ સારો સ્કોર કરી શક્યો છે જે ટીમ માટે સારા સમાચાર નથી.

(3:54 PM IST)