<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

ભારતીય ટીમ કટકમાં રાત્રે પ્રેક્ટિસ કરવા પહોંચી તો અદ્ભૂત માહોલ જોવા મળ્યો

કટકમાં મેચની એક રાત પહેલાનો માહોલ જબરજસ્ત હતો, જેમાં મોટી સંખ્યામાં દર્શકો મેચ રમાતી હોય તેવા દ્રશ્યો ઉભા કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન જોવા માટે ઉમટી પડ્યા હતા અને આ જોઈને ખેલાડીઓને પ્રેક્ટિસ દરમિયાન મેચ ચાલુ હોય તેવો અનુભવ થયો હતો.

નવી દિલ્‍હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચોની વનડે સીરિઝની  બીજી વનડે આજે કટકમાં રમાઈ રહી છે. કટકમાં મેચ પહેલા ભારતીય ટીમે ઘણી પ્રેક્ટિસ કરી હતી અને રાતના સમયે ડ્યુ સહિતની સ્થિતિ કેવી હશે તે જાણવા માટે રાતના સમયે પણ બેટિંગ અને બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમ પ્રેક્ટિસ માટે પહોંચી તો મેદાનમાં એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. મેચ દરમિયાન જેવી ભીડ સ્ટેડિયમમાં દર્શકોની હોય તેવો જ માહોલ ખેલાડીઓને પ્રેક્ટિસ દરમિયાન જોવા મળ્યો હતો. વિરાટ કોહલીને આટલી ભીડ સાથે પ્રેક્ટિસ કરવાનો અનુભવ કેવો રહ્યો તે અંગે વાત કરી હતી.

ભારતીય ટીમ કટકમાં શનિવારે રાત્રે પ્રક્ટિસ કરવા માટે પહોંચી ત્યારનો માહોલ કેવો હતો તે દર્શાવતો એક વીડિયો બીસીસીઆઈએ શેર કર્યો છે, જેમાં દર્શકોએ પોતાના ગમતા ક્રિકેટ વિશે પણ વાત કરી હતી. ભારતીય ટીમ પ્રેક્ટિસ માટે મેદાનમાં સાંજના સમયે ઉતરી ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોએ તેમને ચિયર કરીને વધાવી લીધા હતા. વિરાટ કોહલી સ્ટેડિયમમાં આવતા જ દર્શકોએ વિરાટ.. વિરાટ..ની બૂમો પાડી હતી.

કેએલ રાહુલે આ માહોલ જોઈને કહ્યું કે, અમે આવું ધાર્યું નહોતું, ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવ્યા અને આ માહોલ જોવા મળ્યો, અમે સામાન્ય દિવસોમાં પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ તેના કરતા એક અલગ જ માહોલ જોવા મળ્યો, આ બહુ મજાનું છે. પ્રેક્ટિસ સેશનમાં દર્શકો આ રીતે ચિયર કરવા માટે આવે તે એકદમ અલગ પ્રકારનો અનુભવ છે.આ દરમિયાન ટીમના કેમેરામેને કહ્યું કે, મેચના એક દિવસ પહેલા આટલું ક્રાઉડ, બાકી જગ્યા નથી જોયું પણ કટકમાં આવું હોય જ છે.

રોહિત શર્માની એક નાનકડી ફેને કહ્યું, કે હું અહીં રોહિત શર્માનું પ્રેક્ટિસ સેશન જોવા માટે આવી છું. ભારતના સપોર્ટ સ્ટાફે કહ્યું કે આ જાણે મેચ લાઈવ હોય તેવો માહોલ છે, આવામાં પ્રેક્ટિસ કરવાની મજા આવી રહી છે.

(4:18 PM IST)