<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ICC નુ મોટું એકશનઃ શાહીન આફ્રિદી સહીત ત્રણ ખેલાડીઓ સામે કરી કાર્યવાહીઃ મોટો દંડ ફટકાર્યો

ICC આચાર સંહિતાના લેવલ ૧નું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ ખેલાડીઓને દંડ ફટકાર્યો

નવી દિલ્‍હીઃ પાકિસ્‍તાન ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ત્રિકોણીય શ્રેણી અંતર્ગત પાકિસ્‍તાન અને દક્ષિણ આફ્રિકા વચ્‍ચે મેચમાં આઇસીસી આચાર સંહિતાના લેવલ ૧નું  ઉલ્લંઘન કરવા બદલ ત્રણ ખેલાડીઓને દંડ ફટકારવામાં આવ્‍યો છે. આ ત્રણ ખેલાડીઓમાં શાહીન આફ્રિદી, સઉદ શકીલ અને કામરાન ગુલામનો સમાવેશ થાય છે.

ફાસ્‍ટ બોલર શાહીન આફ્રિદી પર સંહિતાની કલમ ૨.૧૨નું  ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના ૨૫ ટકા દંડ ફટકારવામાં આવ્‍યો છે. આ સિવાય કામરાન ગુલામ અને સઉદ શકીલને સંહિતાની કલમ ૨.ના ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્‍યા છે. બંનેની ૧૦ ટકા મેચ ફી કાપવામાં આવી છે.

પાકિસ્‍તાન અને દક્ષિણ આફ્રિકા વચ્‍ચે રમાઈ રહેલી ત્રિ-રાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી મેચની ૨૮મી ઓવર દરમિયાન શાહીન આફ્રિદી અને મેથ્‍યુ બ્રીત્‍ઝકે વચ્‍ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આફ્રિદી પોતાનો મગજ ગુમાવી બેઠો હતો અને મેથ્‍યુ સાથે ઉગ્ર ચર્ચા કરવા પહોંચી ગયો હતો. આ પછી બીજા બોલ પર મેથ્‍યુ બ્રિત્‍ઝકે સિંગલ લઈ રહ્યો હતો, ત્‍યારે આફ્રિદીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બંને ખેલાડીઓ વચ્‍ચે શારીરિક સંપર્ક થયો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ પછી ટેમ્‍બા બાવુમા ૨૯મી ઓવરમાં રનઆઉટ થયો હતો. આ દરમિયાન કામરાન ગુલામ અને સઉદ શકીલ ઉજવણી કરવા બાવુમાની પાસે પહોંચી ગયા હતા. બંને ખેલાડીઓએ નજીકથી બાવુમાને સ્‍લેજ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાવુમાએ ખેલદિલી દર્શાવી અને શાંતિથી પેવેલિયન પરત ફર્યો હતો.

આફ્રિદી, ગુલામ અને શકીલના ખાતામાં ૧-૧ ડિમેરિકટ પોઈન્‍ટ પણ ઉમેરવામાં આવ્‍યા છે. છેલ્લા ૨૪ મહિનામાં આ ખેલાડીઓએ મેદાન પર આ પહેલો ગુનો કર્યો છે. તમામ ખેલાડીઓએ લાદવામાં આવેલા પ્રતિબંધોને સ્‍વીકારી લીધા છે. આ મામલે હવે કોઈ ઔપચારિક સુનાવણી થશે નહીં.

(4:03 PM IST)