તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
દુબઇમાં આરતી ઉતારી ખેલાડીઓનું સ્વાગતઃ લીગના ત્રણેય મેચ જીતવાનું ટીમ ઇન્ડિયાનું પ્રથમ લક્ષ્ય
લીગના એક પણ મેચ હારવાની પરિસ્થીતી ખરાબ બની શકેઃ રનરેટ પર આધાર રાખવો પડે

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ભારતીય ટીમ દુબઈ પહોંચી ગઈ છે, ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે સીરિઝ જીતીને ફુલ ફોર્મમાં છે, ભલે ટીમની સાથે દિગ્ગજ બોલર બુમરાહ નથી પરંતુ હર્ષિત રાણા અને અર્શદીપ સિંહની સાથે શમીએ પણ બતાવી દીધું છે કે તેઓ લયમાં આવી ગયા છે. આ સિવાય રોહિત શર્મા અને વિરાટ કોહલીના બેટથી રન આવવાના પણ શરુ થઈ ગયા છે. મિડલ ઓર્ડર અને ઓલરાઉન્ડર ખેલાડીઓ પણ અદ્વૂત પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય ટીમ દુબઈ પહોંચી ત્યારે મોજ મસ્તીના મૂડવામાં જોવા મળી હતી. ચેમ્પિન્સ ટ્રોફીનો પ્રારંભ ૧૯મીએ થવાનો છે જયારે ભારત પોતાની પહેલી મેચ ૨૦મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમવા માટે ઉતરશે. ભારતીય ટીમ દુબઈ પહોંચી તો આરતી કરીને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બીસીસીઆઇ ટીમના ભારતથી દુબઈ સુધીના સફરનો વીડિયો શેર કર્યો છે.
રોહિત શર્માની કેપ્ટનશીપમાં આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયા વધુ એક મોટો ખિતાબ જીતવા માટે ઉત્સુક છે. ટીમ ઈન્ડિયાનું પહેલું લક્ષ્ય સેમીફાઈનલ હશે અને ત્યાંથી ટ્રોફી જીતવા તરફ પગલું ભરવામાં આવશે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીને નોકઆઉટ ટુર્નામેન્ટ ગણવામાં આવે છે. અહીં એક પણ મેચ હારવાથી ટીમની આશાઓ ખતમ થઈ શકે છે. ટીમ ઈન્ડિયા ૨૦ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે. આ પછી ૨૩ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સાથે મેચ થશે. છેલ્લી લીગ મેચમાં, ભારતીય ટીમ ૨ માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમશે.
ટુર્નામેન્ટના સેમીફાઇનલમાં પ્રવેશવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે ભારતીય ટીમ તેની ત્રણેય લીગ મેચ જીતી લે. આમ કરવાથી તેને કોઈપણ રીતે ‘જો' અને ‘તો' પર નિર્ભર રહેવું પડશે નહીં. જો ભારત ત્રણમાંથી એક પણ મેચ હારી જાય તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
કારણ કે ૪ ટીમોના ગ્રુપમાં, એવી પૂરી શક્યતા છે કે બે ટીમો એવી હશે જેણે ૨-૨ મેચ જીતી હશે. જો આવું થાય, તો સેમીફાઇનલમાં જતી ટીમનો નિર્ણય નેટ રન રેટના આધારે કરવામાં આવશે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
