તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
ચેમ્પિયન ટ્રોફી-2025 :વરસાદના વિઘ્નના લીધે ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ ધોવાઈ ગઈ :જાણો સેમીફાઈનલનું સમીકરણ
ગ્રુપ-બીમાં આ મેચ વરસાદના કારણે ધોવાઈ જવાથી સેમીફાઈનલનું સમીકરણ થોડું બગડ્યું : ઈંગ્લેન્ડ અને આફ્રિકા માટે કરો યા મરો જેવી સ્થિતિ સર્જાઈ

પાકિસ્તાનની યજમાનીમાં રમાઈ રહેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં મંગળવારે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદને કારણે આ મેચ ધોવાઈ ગઈ છે. એક પણ બોલ ફેંકાયા વગર આ મેચ રદ કરી દેવાઈ છે.
ગ્રુપ-એમાંથી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ સેમીફાઈનલમાં નિશ્ચિત થઈ છે. જ્યારે કે યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. બીજી બાજુ ગ્રુપ-બીમાં આ મેચ વરસાદના કારણે ધોવાઈ જવાથી સેમીફાઈનલનું સમીકરણ થોડું ગરબડ થઈ ગયું છે.
મેચ રદ થવાને કારણે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને 1-1 પોઈન્ટ મળ્યા છે. આ રીતે બંને ટીમના 3-3 પોઈન્ટ્સ થઈ ગયા છે. જો કે નેટ રનરેટ 2.140 હોવાને કારણે સાઉથ આફ્રિકા ગ્રુપમાં ટોપ પર છે, જ્યારે બીજા નંબરે રહેલી ઓસ્ટ્રેલિયાની નેટ રનરેટ 0.475 છે.
ઓસ્ટ્રેલિયાને હવે ગ્રુપમાં પોતાની છેલ્લી મેચ અફઘાનિસ્તાન સામે રમવાનું છે. જો આ મેચ તેઓ જીતી જશે તો કાંગારુ ટીમના 5 પોઈન્ટ થઈ જશે અને તે સેમીફાઈનલમાં ક્વોલિફાઈ થઈ જશે.
બીજી બાજુ આફ્રિકાએ પોતાની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે રમવાની છે. આ તેમના માટે કરો યા મરોની મેચ બની રહેશે. આફ્રિકાને આ મેચ કોઈ પણ કાળે જીતવી જ પડશે.
ઈંગ્લેન્ડની ટીમે હજુ 2 મેચ રમવાની છે. આવતીકાલે એટલે કે બુધવારે તેઓ અફઘાનિસ્તાન સામે રમશે, જે બાદ આફ્રિકા સામે ટકરાશે. ઈંગ્લેન્ડની ટીમ જો આ બંને મેચ જીત જાય અને ઓસ્ટ્રેલિયા પણ તેની છેલ્લી મેચ જીતી જાય તો આફ્રિકા બહાર થઈ જશે.
અફઘાનિસ્તાનની ટીમ જો પોતાની બંને મેચમાંથી કોઈ એક મેચ એટલે કે ઈંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયાને હરાવી દે તો આફ્રિકા માટે સેમીફાઈનલની રાહ આસાન બની શકે છે. જો અફઘાનિસ્તાન બંને મેચ જીતી લે તો તે સેમીફાઈનલમાં એન્ટ્રી કરી લેશે. સાથે જ આફ્રિકા પણ ઈંગ્લેન્ડને હરાવીને ક્વોલિફાઈ કરી શકે છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
