<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

દક્ષિણ આફ્રિકાએ શાનદાર જીત નોંધાવી: ઈંગ્લેન્ડે પરાજયની હેટ્રિક ફટકારી

ચેમ્પિયન્સ ટ્રોફીની 11મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું: ઈંગ્લેન્ડને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 11મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે. કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 38.2 ઓવરમાં માત્ર 179 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ હેનરિક ક્લાસેન અને રાસી ડ્યુસેનની અડધી સદીના કારણે 125 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકાએ 29.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસને 64 અને ડ્યુસેને અણનમ 72 રન બનાવ્યા હતા. આ જીત સાથે સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ બીમાં પાંચ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે અને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

    180 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાએ ત્રીજી ઓવરમાં જ ટ્રિસ્ટન સ્ટબ્સની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રેયાન નવમી ઓવરમાં 47ના સ્કોર પર આઉટ થયો હતો. આ પછી ડ્યુસેન અને હેનરિક ક્લાસેન વચ્ચે ત્રીજી વિકેટ માટે 122 બોલમાં 127 રનની ભાગીદારી થઈ હતી. હેનરિકે 56 બોલમાં 64 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. ડુસેને 87 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં તેણે ત્રણ સિક્સર અને 6 ફોર ફટકારી હતી.

  પ્રથમ બેટિંગ કરવા આવેલા ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી. ટીમે પ્રથમ જ ઓવરમાં ફિલ સોલ્ટની વિકેટ ગુમાવી દીધી હતી. સોલ્ટ માત્ર 8 રન બનાવી શક્યો હતો. વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. બેન ડકેટે 21 બોલમાં 24 રનની ઇનિંગ રમી હતી. હેરી બ્રુક 29 બોલમાં માત્ર 19 રન જ બનાવી શક્યો હતો. સ્ટાર બેટ્સમેન જો રૂટ 44 બોલમાં 37 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. લિયામ લિવિંગ્સ્ટન 15 બોલમાં માત્ર 9 રન જ બનાવી શક્યો હતો. જેમી ઓવરટોન 20 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. જોફ્રા આર્ચર 31 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન જોસ બટલરે 43 બોલમાં 21 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જેન્સેન અને વિયાન મુલ્ડરે 3-3 વિકેટ લીધી હતી.

 

(10:11 PM IST)