<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

દક્ષીણ આફ્રિકા ચેમ્‍પીયન્‍સ ટ્રોફીના સેમી ફાઇનલમાં પ્રવેશનાર ચોથી ટીમ બની

ગ્રુપ-એ માં ન્‍યુઝીલેન્‍ડ તથા ગ્રુપ-બી માં સાઉથ આફ્રિકા ટોચ ઉપરઃ આજના ટીમ ઇન્‍ડિયાના મેચ બાદ ચિત્ર સ્પષ્‍ટ થશે કે કોણ સેમીમાં સામસામે રમશે

દુબઇઃ  સાઉથ આફ્રિકાની ટીમે ગઇકાલે કરાચીમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 11મી મેચમાં ઈંગ્લેન્ડને હરાવી હતી.  તેની સાથે જ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ માટે ચારેય ટીમ નક્કી થઈ ગઈ છે. ગ્રુપ એમાંથી પહેલા જ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઈનલમા આવી ગઈ છે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે ગ્રુપ બીમાંથી સૌથી પહેલા સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો અને બાદમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને શાનથી સીમેફાઈનલમાં પોતાની જગ્યા બનાવી. ટૂર્નામેન્ટની સેમીફાઈનલ માટે ચારેય ટીમ ભલે નક્કી થઈ ગઈ હોય પણ હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, નોટઆઉટ રાઉન્ડ હવે કઈ ટીમને કોની સાથે ટક્કર થશે.

હકીકતમાં જોઈએ તો, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 2 માર્ચના રોજ દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મેચ રમાવાની છે. આ ટૂર્નામેન્ટની 12મી મેચ હશે. આ મેચના પરિણામથી ખબર પડી જશે કે સેમીફાઈનલમાં ભારત કઈ ટીમ સાથે રમશે અને ન્યૂઝીલેન્ડની કોની સાથે ટક્કર થશે. ગ્રુપ બીની તમામ મેચ સમાપ્ત થઈ ચુકી છે. સાઉથ આફ્રિકા 5 પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોપ પર ફિનિશ કરવામાં સફળ રહી, તો વળી ઓસ્ટ્રેલિયા 4 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર રહી.

જો આપણે ગ્રુપ A પર નજર કરીએ તો, ભારત અને ન્યુઝીલેન્ડના 2 માંથી 2 મેચ જીત્યા બાદ 4-4 પોઈન્ટ સમાન છે પરંતુ સારા નેટ રન રેટને કારણે, કિવી ટીમ ગ્રુપમાં ટોચ પર છે. જો ટીમ ઈન્ડિયા આજની મેચ જીતી જાય છે, તો તે 6 પોઈન્ટ સાથે ટોચ પર રહેશે. જ્યારે, ન્યુઝીલેન્ડ બીજા સ્થાને રહેશે. આ સ્થિતિમાં, ભારત 4 માર્ચે દુબઈમાં સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. તે જ સમયે, ન્યુઝીલેન્ડની ટીમ 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે.

જો ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે હારી જાય છે, તો સેમિફાઇનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા 4 માર્ચે દુબઈમાં એકબીજા સામે ટકરાશે, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. આ મેચ લાહોરમાં રમાશે. અહીં નોંધનીય વાત એ છે કે ભારતીય ટીમ તેની સેમિફાઇનલ મેચ ફક્ત દુબઈમાં જ રમશે. આજની મેચનું પરિણામ ગમે તે હોય. જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે, તો ટાઇટલ મેચ પણ દુબઈમાં રમાશે.

(3:39 PM IST)