તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
IPL 2025 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સનો મોટો નિર્ણય: અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવાની જાહેરાત
વેંકટેશ અય્યરને KKRનો વાઈસ કેપ્ટનની જવાબદારી મળી

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2025 પહેલા શ્રેયસ અય્યરને રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો, જે ગયા સિઝન સુધી KKRનો કેપ્ટન હતો અને ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. આવી સ્થિતિમાં, IPL 2025 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના નવા કેપ્ટનનું નામ જાહેર કર્યું છે. KKRએ અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે વેંકટેશ અય્યરને વાઈસ કેપ્ટનની જવાબદારી મળી છે.
બીજી વખત આ ટીમનો ભાગ બન્યો છે. આ પહેલા તે 2022માં પણ આ KKRનો ભાગ હતો. આ વખતે મેગા ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે અજિંક્ય રહાણે પર 1.5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તેનો અર્થ એ કે KKR એ તેને બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. આવી સ્થિતિમાં અજિંક્ય રહાણે માટે આ એક મોટી તક બનવા જઈ રહી છે.
આ જાહેરાત દરમિયાન KKRના CEO વેંકી મૈસૂરે કહ્યું, ‘અમને ખુશી છે કે અમે અજિંક્ય રહાણે જેવા ખેલાડીને કેપ્ટન બનાવી રહ્યા છીએ, જે પોતાની નેતૃત્વ ક્ષમતા અને અનુભવથી ટીમને મજબૂત બનાવશે. વેંકટેશ અય્યર પણ KKR માટે એક મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે અને તેનામાં નેતૃત્વના ગુણો છે. અમને વિશ્વાસ છે કે અજિંક્ય રહાણે અને વેંકટેશ અય્યર સાથે મળીને અમારી ટીમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે અને અમે અમારા ખિતાબનો બચાવ કરવામાં સફળ થઈશું.’
બીજી તરફ, અજિંક્ય રહાણેએ કહ્યું, ‘IPLની સૌથી સફળ ફ્રેન્ચાઈઝીમાંની એક, KKRની કેપ્ટનશીપ મેળવવી મારા માટે સન્માનની વાત છે. અમારી પાસે એક ઉત્તમ અને સંતુલિત ટીમ છે. હું બધા ખેલાડીઓ સાથે કામ કરવા અને અમારા ટાઈટલને ડિફેન્ડ કરવાના પડકારને સ્વીકારવા માટે ઉત્સુક છું.’ તમને જણાવી દઈએ કે, કોલકાતા નાઈટ રાઈડર્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, તેથી અજિંક્ય રહાણે પર ટાઈટલ બચાવવાનું દબાણ રહેશે. આ વખતે KKR 22 માર્ચે તેનું અભિયાન શરૂ કરશે. KKRનો સામનો ઈડન ગાર્ડન્સ ખાતે RCB ટીમ સામે થશે.
અજિંક્ય રહાણે IPLના સૌથી અનુભવી ખેલાડીઓમાંનો એક છે. તેણે આ લીગમાં કુલ 185 મેચ રમી છે, જે દરમિયાન તેણે 30.14 ની સરેરાશથી 4642 રન બનાવ્યા છે. IPLમાં તેના નામે 30 અડધી સદી અને 2 સદી પણ છે. રહાણેએ KKR માટે 7 મેચ રમી છે, જેમાં તેણે 133 રન બનાવ્યા છે. બીજી બાજુ, જો આપણે કેપ્ટનશીપની વાત કરીએ તો, તે પહેલા IPLમાં રાજસ્થાન રોયલ્સનું પણ નેતૃત્વ કરી ચૂક્યો છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
