News of Tuesday, 4th March 2025
ટીમ ઇન્ડિયાને 265 રનનો ટાર્ગેટ : ઓસ્ટ્રેલિયા 264 રનમાં સમેટાઈ :શમીએ ત્રણ વિકેટ ઝડપી
વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ,અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી:સ્ટીવ સ્મિથે સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી: એલેક્સ કેરીએ 61 રન બનાવ્યા

મુંબઈ : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ મેચ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી, ભારતીય ટીમ માટે 265 રનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
કાંગારૂ ટીમ માટે કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી. જ્યારે એલેક્સ કેરીએ 61 રન બનાવ્યા. ટ્રેવિસ હેડે 39 રન અને માર્નસ લાબુશેને 29 રન બનાવ્યા. એક સમયે કાંગારૂ ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હોય તેવું લાગતું હતું. પરંતુ ભારતીય બોલરોએ મુશ્કેલી વધારી દીધી.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 48 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી. જ્યારે સ્પિનરો વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી.
પદ્માકર શિવાલકરના સન્માનમાં ટીમ ઈન્ડિયા હાથમાં કાળી પટ્ટી પહેરીને બહાર આવી હતી. ડાબોડી સ્પિનર શિવાલકર દેશના શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક હતા જેમને ક્યારેય રાષ્ટ્રીય ટીમ માટે રમવાની તક મળી ન હતી. વય સંબંધિત સમસ્યાઓના કારણે સોમવારે તેમનું 84 વર્ષની વયે અવસાન થયું હતું.
ભારતીય ટીમે પોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ગ્રુપ B માં બીજા સ્થાને રહીને છેલ્લા ચારમાં પહોંચી ગઈ. આ મેચમાં જે પણ ટીમ જીતશે તે 9 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમશે. બીજી સેમિફાઇનલ 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
