News of Sunday, 9th March 2025
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચ દરમિયાન વાદળછાયું રહેશે વાતાવરણ: શું વરસાદ વરસશે ?: જાણો હવામાનની સ્થિતિ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ 9 માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સમયે દુબઈમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા .

મુંબઈ :રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ 9 માર્ચ, રવિવારના રોજ ન્યુઝીલેન્ડ સામે રમશે. કિવી ટીમની કમાન મિશેલ સેન્ટનરના હાથમાં છે. ફાઇનલ મેચ દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડથી 25 વર્ષ જૂનો બદલો લેવા મેદાને ઉતરશે. વર્ષ 2000 માં બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને પોતાનો પહેલો ખિતાબ જીત્યો હતો. આ પછી, આ પહેલી વાર છે જ્યારે બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટકરાશે. ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી આવૃત્તિ પણ ન્યુઝીલેન્ડે ફાઇનલમાં ભારતને હરાવીને જીતી હતી. રોહિત શર્મા અને ટીમ તે હારનો બદલો પણ લેવા માંગશે.
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બધી મેચ જીતી રહી છે. તેણે પહેલી મેચમાં બાંગ્લાદેશ, બીજી મેચમાં પાકિસ્તાન અને ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું છે. આ પછી ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને પણ હરાવ્યું છે. ટીમે દુબઈમાં ચારેય મેચ રમી અને બધીમાં સરળ જીત મેળવી છે.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમની વાત કરીએ તો, તેમની ટીમ પણ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરી રહી છે, તેઓ ગ્રુપ સ્ટેજમાં ફક્ત ટીમ ઈન્ડિયા સામે જ હારી હતી. જોકે, સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ૩૬૨ રનનો વિશાળ સ્કોર કરીને હરાવ્યા બાદ તેમનું મનોબળ વધ્યું છે. બાય ધ વે, ન્યુઝીલેન્ડે પણ ટુર્નામેન્ટની એક મેચ દુબઈમાં રમી છે, તેથી આ મેદાન કિવી ખેલાડીઓ માટે પણ નવું નહીં હોય.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ 9 માર્ચ, રવિવારના રોજ દુબઈમાં બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. ટોસ 2 વાગ્યે થશે. આ સમયે તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. મેચ દરમિયાન વાદળો છવાયેલા રહેવાની શક્યતા છે. વરસાદની શક્યતા 10 ટકા છે, ભેજનું પ્રમાણ 43 ટકા રહેશે. 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. દુબઈમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. પરંતુ વરસાદને કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ રદ થવાની કોઈ શક્યતા નથી
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
