<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિ અંગેના મેસેજ- અફવાથી ધર્મપત્ની રિવાબા જાડેજા આશ્ચર્યમાં પડી ગયા : જાડેજાનાશિયલ મીડિયાનો ઉલ્લેખ કરીને કહ્યું કે તમે ત્યાં જોઈ લેજો

અમદાવાદ તા.૧૧ : રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ અંગે જે વાતો ચાલતી હતી તે અંગે બાપુના પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે દુબઈથી સવારે લગભગ 4.30 વાગ્યે આવ્યા બાદ ગાંધીનગર પહોંચ્યા હતા અને અહીં તેમણે મહત્વની વાત જણાવી છે.

ભારતીય ક્રિકેટ ટીમનો એક્કો સાબિત થયેલા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ભારતીય ટીમને 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ અઢળક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે દુબઈથી આવીને વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. તેઓ દુબઈમાં ભારતીય ટીમ અને પતિને ફાઈનલ મેચમાં સપોર્ટ કરવા માટે ગયા હતા અને ત્યાંથી મંગળવારે  સવારે લગભગ 4.30 વાગ્યે આવ્યા હતા અને તરત જ કામ પર પણ લાગી ગયા હતા. તેઓ વિધાનસભા પહોંચ્યા ત્યારે તેમણે મેચ અંગે વાત કરીને ટીમને ફરી એકવાર શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે રવિન્દ્ર જાડેજાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડીંગ ત્રણે ડિપાર્ટમેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફાઈનલ મેચમાં ફિલ્ડિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ટીમના ફિલ્ડિંગ કોચ દ્વારા મેડલ પણ આપવામાં આવ્યો હતો.

 

રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજાએ ગાંધીનગર પહોંચીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમના પ્રદર્શન અંગે વાત કરીને જણાવ્યું કે, 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને જીત મળી છે તે બદલ હું ટીમને ખુબ-ખુબ અભિનંદન પાઠવું છું. આ ટુર્નામેન્ટમાં આપણે બહુ સારું પ્રદર્શન કર્યું અને ફાઈનલમાં જે રીતે ટીમ તથા દરેક પ્લેયર્સે કર્યું હતું તેથી જીતનો શ્રેય તમામને જાય છે.

 

તમે ભવિષ્યમાં ટીમ આ રીતે સારું પ્રદર્શન કરે તે અંગેની શુભેચ્છાઓ પાઠવી હતી, આ પછી રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ અંગે તેમને પૂછવામાં આવ્યું તો તેઓ પહેલા આશ્ચર્યમાં પડી ગયા હતા, પછી ન્યૂઝ 18 ગુજરાતીના પત્રકાર ગૌતમ શ્રીમાળી દ્વારા તેમને કહેવામાં આવ્યું કે, બાપુની નિવૃત્તિની જે વાત ચાલે છે, તે અંગે આપ શું કહેશો? આ સાંભળીને તેમણે જાડેજાના સોશિયલ મીડિયાનો ઉલ્લેખ કરીને કહ્યું કે તમે ત્યાં જોઈ લેજો.

નોંધનીય છે કે, રવિન્દ્ર જાડેજાએ પોતાની નિવૃત્તિ અંગેની જે વાતો ચાલતી હતી તે અંગેની સ્પષ્ટતા સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પરથી કરી દીધી છે. જેમાં જાડેજાએ સ્ટોરી પોસ્ટ કરીને લખ્યું છે કે, ના, જરુર વગરની અફવા છે. આભાર.આમ રોહિત શર્મા પછી રવિન્દ્ર જાડેજાએ પણ તેની નિવૃત્તિ અંગે જે અફવાઓ ફેલાઈ રહી હતી તેના પર પૂર્ણવિરામ મૂકી દીધો છે.

(3:00 PM IST)