<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

ગેઈલની 66 બૉલમાં 175 રનની સ્ફોટક ઇનિંગ અને કોહલીએ ખડક્યો રનનો પહાડ ,IPL ઈતિહાસના આ રેકોર્ડ ભાગ્યે જ તૂટશે

ટ્રેવિસ હેડે માત્ર 41 બૉલમાં 9 ફૉર અને 8 સિક્સર્સ ફટકારીને તોફાની સદી ફટકારી હતી : 3 હેટ્રીક લેનાર અમિત મિશ્રા એકમાત્ર બૉલર

મુંબઈ :ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)ની 18મી સિઝનનું રણશિંગૂ ફૂંકાઈ ચૂક્યું છે. આ વર્ષે 10 ટીમો પૈકી 5 ટીમો નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવાની છે. જ્યારે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 22 માર્ચના રોજ ગત સિઝનની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાવાની છે. એવામાં સિઝન શરૂ થયા પહેલા IPLના ઈતિહાસના કેટલાક એવા રેકોર્ડ પર નજર નાંખીએ, જે કદાચ જ કોઈ ખેલાડી તોડી શકે…

અમિત મિશ્રા IPL-2008માં ડેક્કન ચાર્જર્સ વિરુદ્ધ પ્રથમ વખત હેટ્રિક હાંસલ કરી હતી. આ મેચમાં અમિતે 17 રન આપીને હરીફ ટીમની 5 વિકેટ ખેરવી હતી. જે બાદ 2011માં 2011ની IPL સિઝનમાં અમિત મિશ્રાએ કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ હેટ્રિક લીધી હતી. જે મેચમાં અમિતે માત્ર 9 રન આપીને 4 વિકેટ લીધી હતા. જ્યારે ત્રીજી વખત 2013ની સિઝનમાં અમિત મિશ્રાએ પૂણે વૉરિયર્સ વિરુદ્ધ 19 રનમાં 4 વિકેટ લીધી હતી. જેમાં પણ એક હેટ્રીક હતી. અમિત મિશ્રા સિવાય યુવરાજ સિંહ બીજા નંબર પર છે, જેણે IPLના ઈતિહાસમાં બે વખત હેટ્રિક હાંસલ કરી છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ ICCની મેચમાં તો અનેક રેકોર્ડ પોતાના નામે કરી દીધા છે, પરંતુ તે IPLમાં પણ પાછળ નથી. વિરાટ કોહલીએ IPLની 2016ની સિઝનમાં 16 મેચમાં શાનદાર બેટિંગ કરતાં 81ની સરેરાશ સાથે 973 રન ફટકાર્યા હતા. કોહલી સિવાય એવો કોઈ બેટ્સમેન નથી, જેણે IPLની કોઈ એક સિઝનમાં 900 રનથી વધુ કર્યાં હોય. આ કેટેગરીમાં વિરાટ કોહલી પછી બીજા ક્રમે શુભમન ગિલ આવે છે. જેણે IPLની 2023ની સિઝનમાં 59.33ની સરેરાશ સાથે 890 રન ફટકાર્યા હતા.

આ ઉપરાંત વિરાટ કોહલી IPLની15 સિઝનમાં 300થી વધુ રન ફટકારનાર એકમાત્ર ખેલાડી છે. 2010 થી 2024 સુધીની IPL સિઝનમાં વિરાટ કોહલીએ અનુક્રમે 307, 557, 364, 634, 359, 505, 973, 308, 530, 464, 466, 405, 341, 639 અને ગત સિઝનમાં 741 રન ફટકાર્યા છે.
'યુનિવર્સ બૉસ' નામે જાણીતા વેસ્ટ ઈન્ડિઝનના સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલએ IPLના ઈતિહાસમાં અનેક યાદગાર ઈનિંગ્સ રમી છે. જે પૈકી 2013ની IPL સિઝનમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) તરફથી રમતા ક્રિશ ગેલે પૂણે વૉરિયર્સના બૉલરોના રીતસરના છોતરાં કાઢી નાંખ્યા હતા. આ મેચમાં ગેલે માત્ર 66 બૉલમાં 175 રન ફટકારીને અણનમ રહ્યો હતો.

IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી રમતા ટ્રેવિસ હેડે માત્ર 41 બૉલમાં 9 ફૉર અને 8 સિક્સર્સ ફટકારીને તોફાની સદી ફટકારી હતી. જેની મદદથી RCB સામે SRHની ટીમે 20 ઑવરમાં 287 રનમાં 3 વિકેટનો તોતિંગ સ્કોર ખડક્યો હતો.

આ ઉપરાંત ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના નામે સૌથી વધુ IPL ફાઈનલ રમવાનો રેકોર્ડ છે. જે ભાગ્યે જ તૂટે એમ છે. IPL શરૂ થઈ તે પછી મહેન્દ્રસિંહ ધોની 11 વખથ ફાઈનલ મેચ રમ્યો છે. જે પૈકી 5માં પોતાની ટીમને ખિતાબ પણ જીતાડ્યો છે.

(7:06 PM IST)