<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

T20Iમાં થયું ગજબનાક; સુપર ઓવરમાં ટીમ એક પણ રન ન બનાવી શકી : શરમજનક રેકોર્ડમાં નામ જોડાયું

T-20 ઇન્ટરનેશનલમાં સુપર ઓવર દરમિયાન ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થતો જોયો હશે. પરંતુ એવું ક્યારેય સાંભળ્યું છે કે સુપર ઓવરમાં કોઈ ટીમ એક પણ રન ન બનાવી શકી હોય?

T-20 ઇન્ટરનેશનલમાં સુપર ઓવર દરમિયાન ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થતો જોયો જ હશે. જો કે, શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ટીમ સુપર ઓવરમાં એક પણ રન ન બનાવી શકી હોય? બહેરીન અને હોંગકોંગ વચ્ચે રમાયેલી મેચમાં આ અનોખું પરાક્રમ થયું. જ્યાં બહેરીનની ટીમ સુપર ઓવરમાં એક પણ રન બનાવી શકી ન હતી. આ શરમજનક કૃત્ય T-20 ઈન્ટરનેશનલમાં પહેલીવાર થયું છે અને બહેરીનના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે.

  મલેશિયામાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીમાં હોંગકોંગનો સામનો બહેરીન સામે થયો હતો. પ્રથમ બેટિંગ કરતા હોંગકોંગે 7 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ઝીશાન અલીએ 29 રન અને શાહિદ વાસિફે 31 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે બહેરીને સારી શરૂઆત કરી હતી અને પ્રશાંતે 31 બોલમાં 37 રન બનાવ્યા હતા. કેપ્ટન અહમર બિન નાસિર અને ઈમરાન અનવરે સારી બેટિંગ કરી અને ટીમને લક્ષ્યની નજીક લઈ ગઈ. છેલ્લી ઓવરમાં બહેરીનને જીતવા માટે 13 રનની જરૂર હતી. બિને પ્રથમ બે બોલ પર 4 રન બનાવ્યા હતા. આ પછી બહેરીનને છેલ્લા બે બોલ પર 7 રનની જરૂર હતી. કેપ્ટન બિને શક્તિશાળી સિક્સ ફટકારીને સ્કોર બરાબરી કરી દીધો. જોકે, ઓવરના છેલ્લા બોલ પર તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોર બરાબરી પર આવી ગયો હતો.

  મેચ સુપર ઓવરમાં પહોંચી ગઈ હતી અને ઉત્તેજના ચરમ પર હતી. સુપર ઓવરમાં બહેરીનની ટીમે પ્રથમ બેટિંગ કરવી પડી અને ટીમ વતી કેપ્ટન બિન અને સોહેલ અહેમદ મેદાનમાં ઉતર્યા. હોંગકોંગ માટે સુપર ઓવર બોલિંગ કરવાની જવાબદારી એહસાન ખાનને મળી હતી. એહસાને પોતાનો જાદુ બતાવ્યો અને બીજા જ બોલ પર વિરોધી ટીમના કેપ્ટનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ પછી તેણે બીજા જ બોલ પર સોહેલને પણ આઉટ કર્યો હતો. આ રીતે બહેરીનની ટીમ સુપર ઓવરમાં એક પણ રન બનાવી શકી ન હતી. નિયમો અનુસાર, સુપર ઓવરમાં બે વિકેટ પડી ગયા બાદ ટીમની ઇનિંગ્સને ઓવર માનવામાં આવે છે. હોંગકોંગે સરળતાથી એક રન બનાવીને મેચ જીતી લીધી હતી.

(7:46 PM IST)