<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

તેંડુલકરની ટીમ બની ચેમ્પિયન: ઈન્ડિયા માસ્ટર્સે ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવી ખિતાબ જીત્યો

બ્રાયન લારાના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા જવાબમાં ભારતીય ટીમે 17.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યો

રવિવારે ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ T20 2025ની ફાઈનલ મેચ ઈન્ડિયા માસ્ટર્સ અને વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સ વચ્ચે રમાઈ હતી. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ ઇન્ડિયા માસ્ટર્સે 6 વિકેટે જીતી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ બ્રાયન લારાના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 17.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો.


પહેલા બેટિંગ કરવા આવેલા વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સની શરૂઆત શાનદાર રહી. ડ્વેન સ્મિથ અને કેપ્ટન બ્રાયન લારાએ પ્રથમ વિકેટ માટે 23 બોલમાં 34 રન ઉમેર્યા. વિનય કુમારે લારાને આઉટ કરીને ભાગીદારી તોડી. કેપ્ટન લારાએ 6 બોલમાં 6 રન બનાવ્યા. ત્યારબાદ વિકેટો પડવા લાગી હતી. વિલિયમ પર્કિન્સે 7 બોલમાં 6 રન બનાવ્યા હતા.

ઓપનર ડ્વેન સ્મિથ પોતાની ફિફ્ટી ચૂકી ગયો. તેણે 35 બોલમાં 45 રનની જ્વલંત ઇનિંગ રમી. ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા રવિ રામપોલ ફક્ત 2 રન બનાવી શક્યા. 12મી ઓવરના છેલ્લા બોલ પર પવન નેગીએ ચેડવિક વોલ્ટનને બોલ્ડ કર્યો. ચેડવિક વોલ્ટને 1 છગ્ગાની મદદથી 6 રન બનાવ્યા.

આ પછી, લેન્ડલ સિમન્સ અને દિનેશ રામદીને ઇનિંગ્સની કમાન સંભાળી. બંનેએ 61 રન પણ ઉમેર્યા. અંતિમ ઓવરમાં લેન્ડલ સિમન્સ અને એશ્લે નર્સ (1) આઉટ થયા. સિમન્સે 41 બોલમાં 57 રન બનાવ્યા. દિનેશ રામદીન 12 રન બનાવીને અણનમ રહ્યો. ભારત તરફથી વિનય કુમારે 3 વિકેટ લીધી. શાહબાઝ નદીમને 2 સફળતા મળી.

(11:54 PM IST)