<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

રોહિત બાદ ઋષભ પંતને ટેસ્‍ટ ટીમનો કેપ્‍ટન બનાવો, ટી20માં પણ રીપ્‍લેસમેન્‍ટ જરૂરીઃ સબા કરીમ

આપણા યુવા ખેલાડીઓ આઈપીએલમાં કેપ્‍ટનશીપ કરી રહ્યા છે, આથી જ ટીમ જીતશે તે ખેલાડીનું કદ વધશે

નવી દિલ્‍હીઃ દેશમાં ભલે ફેન્‍સમાં આઈપીએલનો ક્રેઝ હોય, લોકો ભલે ચર્ચા કરતા હોય કે, આ વખતે કોણ જીતશે અને કોણ સૌથી વધુ ચોગ્‍ગા-છગ્‍ગા ફટકારશે. પરંતુ ટી20 ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્‍ટની ચર્ચા કરતા લોકો રોહિત બાદ ટીમની કમાન કોણ સંભાળશે તેને લઈને વધુ ચર્ચા કરી રહ્યા છે.

પૂર્વ સિલેક્‍ટર અને વિકેટકીપર સબા કરીમે  માન્‍યું કે, રોહિત શર્મા બાદ ઋષભ પંત ભારતીય ટેસ્‍ટ ટીમનો કેપ્‍ટન બની શકે છે. આમ તો હવે ત્રણ ફોર્મેટમાં ત્રણ કેપ્‍ટનનું ચલણ વધી રહ્યું છે. પરંતુ જો તમામ ફોર્મેટમાં એક જ કેપ્‍ટન બનાવવાની વાત હોય તો પણ ઋષભ પંતની જ પસંદગી થશે. સબાએ આગળ કહ્યું કે, પંત જ એક માત્ર ખેલાડી છે જેની પસંદગી ત્રણેય ફોર્મેટમાં નક્કી છે, એટલે તે ઋષભ પંતને મોટો દાવેદાર માને છે.

દિલ્‍હી કેપિટલ્‍સમાં જ્‍યારે ઋષભ પંત કેપ્‍ટન હતો ત્‍યારે સબા કરીમે મેન્‍ટોર તરીકે તેની સાથે ઘણું કામ કર્યુ છે. એટલે તેનું માનવું છે કે, ઋષભ પંતમાં મેચ જીતવાની ભૂખ છે. અને તેના ઉપર કેપ્‍ટનશીપનું પ્રેશર રહેતું નથી. સબા કરીમે કહ્યું કે 2027 વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપને ધ્‍યાનમાં રાખીને ટીમ બનાવવાનું વિચારવું જોઈએ અને એક લોંગ ટર્મ કેપ્‍ટન માટે જોવું પડશે જેના માટે પંત સૌથી યોગ્‍ય ઉમેદવાર બની શકે છે. સબા કરીમ કહે છે કે ટી-20 કેપ્‍ટન સૂર્યાની ઉંમર થઈ રહી છે. જેથી તેનું પણ રીપ્‍લેસમેન્‍ટ જોવું પડશે. આઈપીએલમાં અક્ષર પટેલ, હાર્દિક પંડયા, શુભમન ગીલ, ઋષભ પંત જેવા યુવા ખેલાડીઓ કેપ્‍ટનશીપ કરી રહ્યા છે. જેથી તેમાંથી જે પણ ટૂર્નામેન્‍ટ જીતશે તેનું કદ વધશે.

(4:21 PM IST)