<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

IPL 2025: રિયાન પરાગે ઈતિહાસ રચ્યો :મોટી સિદ્ધિ હાંસલ કરી : વિરાટ, સ્મિથ, રૈના જેવા ખેલાડીઓની ક્લબમાં સામેલ

રિયાન પરાગ પહેલીવાર IPLમાં કેપ્ટનશીપ કરે છે,સંજુ સેમસનની ઈજાના કારણે તેને આ જવાબદારી મળી

IPL 2025માં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રિયાન પરાગે ટોસ માટે મેદાનમાં પ્રવેશતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. આ મામલે શ્રેયસ અય્યરને પાછળ છોડીને તે IPLના ઈતિહાસમાં કેપ્ટન બનાવનાર ચોથો સૌથી યુવા ખેલાડી બન્યો છે.

રાજસ્થાન રોયલ્સના નિયમિત કેપ્ટન સંજુ સેમસનને ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં ઈજા થઈ હતી, જેના કારણે ટીમની કેપ્ટનશિપની જવાબદારી રિયાન પરાગને સોંપવામાં આવી હતી. હાલમાં તેની ઉંમર 23 વર્ષ 133 દિવસ છે અને તે પ્રથમ વખત IPLમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. અગાઉ શ્રેયસ અય્યરે 2018માં દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળી હતી, ત્યારે તેની ઉંમર 23 વર્ષ અને 142 દિવસ હતી. રિયાન પરાગે તેની પહેલી જ મેચમાં કેપ્ટનશિપ કરતી વખતે ઐયરને પાછળ છોડી દીધો અને IPLના ઇતિહાસમાં ચોથો સૌથી યુવા કેપ્ટન બન્યો

IPLમાં કેપ્ટન તરીકે સૌથી યુવા કેપ્ટન

વિરાટ કોહલી- 22 વર્ષ 187 દિવસ ,સ્ટીવ સ્મિથ- 22 વર્ષ 344 દિવસ,સુરેશ રૈના- 23 વર્ષ 112 દિવસ,રિયાન પરાગ- 23 વર્ષ 133 દિવસ.શ્રેયસ અય્યર- 23 વર્ષ 142 દિવસ

IPLમાં સૌથી યુવા કેપ્ટન બનવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ 2011માં 22 વર્ષ અને 187 દિવસની ઉંમરમાં RCBની કેપ્ટનશીપ કરી હતી. આ પછી 2013માં તે ટીમનો નિયમિત કેપ્ટન બન્યો અને 2016માં તેના નેતૃત્વમાં RCB ફાઇનલમાં પહોંચ્યું. જોકે, સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાની ટીમને ટાઈટલ મેચમાં હરાવીને ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું હતું.

રિયાન પરાગ હવે IPLમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરનારો સાતમો ખેલાડી બની ગયો છે. તેની પહેલા આ ટીમની કમાન સંજુ સેમસન, શેન વોર્ન, રાહુલ દ્રવિડ, સ્ટીવ સ્મિથ, અજિંક્ય રહાણે અને શેન વોટસને સંભાળી હતી. રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી માત્ર એક જ વાર ટાઈટલ જીત્યું છે, જે વર્ષ 2008માં શેન વોર્નની કપ્તાનીમાં આવ્યું હતું.

(8:12 PM IST)