News of Monday, 24th March 2025
'ગુજરાત ટાઇટન્સમાં વાતાવરણ ખૂબ જ સારું છે, હું વિશ્વ કક્ષાના ખેલાડીઓ સાથે રમવા માટે ઉત્સાહિત છું.' - રબાડા
દક્ષિણ આફ્રિકાના સ્ટાર ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં ખુલીને કરી વાત

નવી દિલ્હી તા. 24 માર્ચ 2025: દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર કાગીસો રબાડા IPL 2025 માં નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ તરફથી રમશે. રબાડા કહે છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ છે અને અહીં બોલિંગ કરવાની મજા આવશે.
ગુજરાતની ટીમ એકદમ સંતુલિત છે અને આ વખતે તેઓ ટાઇટલ જીતવા માટે તમામ પ્રયાસો કરશે. એમ કાગીસો રબાડાએ એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું. મુલાકાતના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે:
પ્રશ્ન – આ વખતે આપને મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સ દ્વારા ખરીદવામાં આવ્યા છે. નવી ટીમ સાથેના આ નવા પડકાર વિશે તમે કેટલા ઉત્સાહિત છો?
રબાડા- હું અમદાવાદમાં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. ખાસ કરીને હું નવી સીઝનમાં રાશિદ ખાન સાથે રમવા માટે ખૂબ જ ઉત્સુક છું, કારણ કે તે અને હું છેલ્લા બે-ત્રણ વર્ષથી સાથે રમી રહ્યા છીએ. ગુજરાતની ટીમ ખૂબ જ સંતુલિત છે. તેમાં કેટલાક જબરદસ્ત બેટ્સમેનો અને બોલરો છે અને અમારું હોમ ગ્રાઉન્ડ ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ છે અને આ પીચ પર ઝડપી બોલિંગ કરવાની મજા આવશે.
પ્રશ્ન - તમે અગાઉ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ તરફથી રમી ચૂક્યા છો. ગુજરાત ટાઇટન્સને ફ્રેન્ચાઇઝી તરીકે તમે કેવી રીતે જુઓ છો?
રબાડા - મને લાગે છે કે ગુજરાત ફ્રેન્ચાઇઝી તરીકે ખૂબ જ સારી રીતે સંગઠિત છે. ટીમનું વાતાવરણ ખૂબ જ અદ્ભુત છે. કોચ આશિષ નેહરા ખૂબ હળવાશથી વર્તે છે. ડેવિડ મિલર (ટાઇટન્સના ભૂતપૂર્વ બેટ્સમેન) સાથે વાત કરીને મેં આ ફ્રેન્ચાઇઝી વિશે ઘણું જાણ્યું છે. આશા છે કે સારું પરિણામ આવશે. અમે ટાઇટલ જીતવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.
પ્રશ્ન - સુકાની શુભમન ગિલના નેતૃત્વ હેઠળ આ સિઝનમાં ટીમની રણનીતિ શું હશે?
રબાડા - જ્યાં સુધી ટીમની વ્યૂહરચનાની વાત છે, હું તેને જાહેર કરી શકતો નથી. અમે બાબતોને સરળ રાખવાની યોજના ધરાવીએ છીએ. ગુજરાત ટાઇટન્સ તેના ખેલાડીઓને મુક્તપણે રમવાની સ્વતંત્રતા આપે છે, જે મેદાન પર સારું પ્રદર્શન કરવામાં ઘણી મદદ કરે છે.
પ્રશ્ન – તમે સિરાજ, કૃષ્ણા અને ઇશાંત સાથે ઝડપી આક્રમણનું નેતૃત્વ કરશો. આ ભાગીદારીને તમે કેવી રીતે સફળ થતી જુઓ છો?
રબાડા- અમે સાથે ઘણી પ્રેક્ટિસ કરી છે. અમે એકબીજા પાસેથી બાઉન્સનો અંદાજ મેળવતા શીખીએ છીએ. એકબીજાની શક્તિઓ અને નબળાઈઓ જાણીએ છીએ. હું પહેલા પણ દિલ્હી વતી ઇશાંત સાથે રમી ચૂક્યો છું. અમારું ટ્યુનિંગ ખૂબ સારું છે. તેની સાથે ફરીથી રમવાની મજા આવશે.
પ્રશ્ન: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસાન પિચ પર રનના ઢગલા થાય છે. શું તમે વિચાર્યું છે કે તમે તમારી બોલિંગને પરિસ્થિતિઓને અનુરૂપ કેવી રીતે કરશો?
રબાડા: મને પિચ અને તે કેવી રીતે વર્તે છે તેની થોડી સમજ છે. લાલ માટીની પીચ પર વધારાનો ઉછાળ હોય છે. કાળી માટીની પિચ પર ઓછો ઉછાળ હોય છે, પરંતુ અહીં પિચ પર થોડો ઉછાળ હોય છે. અહીં ઝડપી બોલરોને સ્વિંગ મળે છે, આપણે છેલ્લી સીઝનમાં આ જોયું છે. મોહમ્મદ શમી અહીં ખૂબ જ સફળ રહ્યો. મને આશા છે કે હું પણ ટીમ માટે યોગદાન આપી શકીશ.
પ્રશ્ન – ઇમ્પેક્ટ પ્લેયર નિયમે તમામ ટીમની રણનીતિ બદલી નાખી છે. શું તમને લાગે છે કે આ સિઝનમાં તમારા અને અન્ય પેસ બોલરોના ઉપયોગ પર અસર કરશે? ઉપરાંત, શું તમને લાગે છે કે IPLમાં નવા નિયમમાં ફેરફાર બોલરો માટે વસ્તુઓને થોડી સરળ બનાવશે?
રબાડા- આપણે તેના માટે રાહ જોવી પડશે. જોઈએ, શું થાય છે.
પ્રશ્ન: T20 ક્રિકેટમાં, ઝડપી બોલરોએ સતત પોતાને બદલતા રહેવું પડે છે. IPL 2025 માટે તમે કયા નવા કૌશલ્યો અથવા વિવિધતાઓ પર કામ કરી રહ્યા છો?
રબાડા - મેં ઘણી બધી વસ્તુઓને એકસાથે લાવવાનું કામ કર્યું છે. એક કે બે કૌશલ્યોમાં કેટલાક ફેરફારો કર્યા છે.
પ્રશ્ન – તમે વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેન સામે રમ્યા છો. આ IPLમાં તમે કોની સામે બોલિંગ કરવા માટે સૌથી વધુ ઉત્સુક છો?
રબાડા- હું કોઈ એક બેટ્સમેનનું નામ નહીં લઉં કારણ કે વિશ્વભરના શ્રેષ્ઠ બેટ્સમેન IPLમાં રમે છે. તેથી હું બધા સામે રમવા માટે ઉત્સાહિત છું.
પ્રશ્ન - T20 વર્લ્ડ કપ 2026 આવી રહ્યો છે, તો તમારી તૈયારી અને લય માટે આ IPL કેટલી મહત્વની છે?
રબાડા - T20 વર્લ્ડ કપ માટે હજુ ઘણો સમય બાકી છે અને હું હાલમાં તેના વિશે વિચારી રહ્યો નથી. પછી જ્યારે આ ટુર્નામેન્ટ પૂરી થશે ત્યારે હું મારું મૂલ્યાંકન કરીશ કે મારી બોલિંગમાં મારે હજુ ક્યાં સુધારો કરવાની જરૂર છે?
પ્રશ્ન - ક્રિકેટ સિવાય, ગુજરાતમાં રમવા માટે તમને શું ઉત્સાહિત કરે છે? શું તમે કોઈ સ્થાનિક ભોજનનો સ્વાદ ચાખ્યો છે કે તે માટે શહેરમાં ફર્યા છો?
રબાડા: હા, મેં મટર રોગન જોશ, બટર ચિકન અને પનીરની કેટલીક વાનગીઓ ખાધી છે. મેં કંઈક નવું પણ ટ્રાય કરેલ છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
