<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

નિકોલસ પૂરનનો ગજબનો રેકોર્ડ: વિસ્ફોટક બેટિંગથી 600 સિક્સ ફટકારી: દિલ્હીના બોલર્સને ઝૂડી નાખ્યા

પૂરણ ટી20 ક્રિકેટમાં 600 કે તેથી વધુ છગ્ગા ફટકારનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બન્યો.

મુંબઈ : વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરને દિલ્હી કેપિટલ્સ સામે કમાલની બેટિંગ કરી હતી. લખનઉ સુપર જાયન્ટ્સના વિકેટકીપર-બેટ્સમેન નિકોલસ પૂરને T20 ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી. વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ (ડીસી) સામે રમાયેલી મેચ દરમિયાન, પૂરણ ટી20 ક્રિકેટમાં 600 કે તેથી વધુ છગ્ગા ફટકારનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બન્યો.

આ માઈલસ્ટોન સુધી પહોંચવા માટે પૂરનને એક છગ્ગાની જરૂર હતી. તેણે સાતમી ઓવરના ત્રીજા બોલ પર વિપરાજ નિગમના બોલ પર લાંબી સિક્સર ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી. અને આ સાથે પુરન ગેલ, કિરોન પોલાર્ડ, રસેલના ક્લબમાં પ્રવેશ્યો છે. ક્રિસ ગેલે 463 મેચમાં 1056 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે કિરોન પોલાર્ડે 695 મેચમાં 908 છગ્ગા ફટકાર્યા છે. રસેલે 539 મેચોમાં 733 છગ્ગા ફટકાર્યા છે. પૂરને 385મી મેચમાં 600 છગ્ગા પૂરા કર્યા. ભારતીય ખેલાડીઓમાં રોહિત શર્મા સૌથી આગળ છે. તેણે 449 મેચોમાં 525 છગ્ગા ફટકાર્યા છે.

પૂરન ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો અને આવતાની સાથે જ તેણે શાનદાર બેટિંગ કરી. આ ખેલાડીએ વિપરાજ નિગમની ઓવરમાં 3 છગ્ગા ફટકાર્યા અને પછી ટ્રિસ્ટન સ્ટબ્સની ઓવરમાં સતત 4 છગ્ગા ફટકાર્યા. પૂરને પોતાની ઇનિંગમાં 7 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 250 હતો. આ મેચમાં પૂરને પેસર્સ સામે 12 બોલમાં 15 રન બનાવ્યા હતા. જ્યારે સ્પિનરો સામે તે 18 બોલમાં 60 રન બનાવવામાં સફળ રહ્યો. પૂરને માર્શ સાથે 42 બોલમાં 87 રનની ભાગીદારી કરી. ફક્ત આના કારણે જ લખનઉની ટીમ સારા સ્કોર સુધી પહોંચી શકી હતી.

(11:24 PM IST)