તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 9th April 2025
IPL 2025 : પ્રિયાંશ આર્યાના તોફાની શતકે ચેન્નઈને ચીત્ત કરી : પંજાબની સીઝનની પ્રથમ ઘરઆંગણે જીત : સુપર કિંગ્સની ચોથી હાર
પ્રિયાંશની 42 બોલમાં 103 રનની ધમાકેદાર ઇનિંગ્સ : શશાંક સિંહના અણનમ 52 રન સાથે પંજાબે 219 રન બનાવ્યા

નવી દિલ્હી: આઈપીએલ-2025માં મંગળવારે પંજાબ કિંગ્સે પોતાના ઘરઆંગણે ચેન્નઈ સુપર કિંગ્સને 19 રનથી હરાવી સીઝનની પ્રથમ જીત નોંધાવી. યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્યાના શાનદાર શતકની મદદથી પંજાબે 6 વિકેટે 219 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. જવાબમાં ચેન્નઈએ પૂરા 20 ઓવર રમીને 5 વિકેટે 201 રન જ બનાવી શકી. આ જીત સાથે પંજાબે ઘરઆંગણે જીતનું ખાતું ખોલ્યું, જ્યારે ચેન્નઈને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો.
પ્રિયાંશ આર્યાનું તોફાન:
પંજાબના સ્ટાર બેટ્સમેન પ્રિયાંશ આર્યાએ 42 બોલમાં 7 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 103 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી. તેણે 39 બોલમાં શતક પૂરું કર્યું, જે આઈપીએલમાં પંજાબ માટે બીજું સૌથી ઝડપી શતક છે. તેની આ આક્રમક બેટિંગે ચેન્નઈના બોલરોને ચકનાચૂર કરી દીધા. ઇનિંગ્સના અંતમાં શશાંક સિંહે 36 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 52 રન ફટકારી ટીમનો સ્કોર 219 સુધી પહોંચાડ્યો.
ચેન્નઈની શરૂઆત સારી:
ચેન્નઈને 220 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઝડપી શરૂઆતની જરૂર હતી, જે રચિન રવિન્દ્ર અને ડેવોન કોન્વેએ પૂરી પાડી. બંનેએ પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી. રચિન રવિન્દ્ર 23 બોલમાં 6 ચોગ્ગા સાથે 36 રન બનાવી ગ્લેન મેક્સવેલનો શિકાર બન્યો. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ માત્ર 1 રન બનાવી લોકી ફર્ગ્યુસનની બોલિંગમાં આઉટ થયો. આ પછી કોન્વે અને શિવમ દુબેએ 89 રનની ભાગીદારી કરી ટીમને 100ના આંકડા પાર પહોંચાડી, પરંતુ 15મી ઓવરમાં ફર્ગ્યુસને દુબેને બોલ્ડ કરી ચેન્નઈને મુશ્કેલીમાં મૂકી.
ધોની-કોન્વેની નિષ્ફળતા:
શિવમ દુબે બાદ એમએસ ધોની પાસેથી ઝડપી રનની આશા હતી, પરંતુ 18મી ઓવરમાં કોન્વે રિટાયર્ડ આઉટ થયો. ધોની પણ અંતિમ ઓવરના પ્રથમ બોલે આઉટ થયો, જેની સાથે ચેન્નઈની જીતની આશાઓ સમાપ્ત થઈ. ચેન્નઈએ 20 ઓવરમાં 5 વિકેટે 201 રન બનાવ્યા, પરંતુ 19 રનથી હારનો સામનો કરવો પડ્યો.
પંજાબની બેટિંગ:
પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો. પ્રિયાંશે પ્રથમ ઓવરમાં જ 16 રન ફટકારી ધમાકેદાર શરૂઆત કરી. જોકે, ઓપનર પ્રભસિમરન સિંહ ખાતું ખોલ્યા વિના મુકેશ ચૌધરીનો શિકાર બન્યો. શ્રેયસ ઐયર 9 રન બનાવી ખલીલ અહેમદની બોલિંગમાં આઉટ થયો. ખલીલે માર્કસ સ્ટોઈનિસને પણ પેવેલિયન મોકલ્યો. ગયા મેચના અર્ધશતકવીર નેહલ વઢેરા 9 રન બનાવી એમએસ ધોનીના હાથે આર. અશ્વિન દ્વારા સ્ટમ્પ આઉટ થયો. અશ્વિને મેક્સવેલને પોતાની જ બોલિંગ પર કેચ કરી પંજાબને પાંચમો ઝટકો આપ્યો. આ દરમિયાન પ્રિયાંશે શતક પૂરું કર્યું, પરંતુ 14મી ઓવરમાં નૂર અહેમદે તેને આઉટ કર્યો.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
