<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ રોકાયા હતા તે હૉટેલમાં આગ, દરેકને સુરક્ષિત બહાર કાઢયા

તેલુગુ ફિલ્‍મ ‘ઓડેલા ૨' માટે પ્રી-રિલીઝ ફંક્‍શન સાંજે આ હૉટેલમાં જ યોજાવાનું હતું : આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, ફાયર ફાઇટરોએ ઝડપથી ઘટનાસ્‍થળે પહોંચીને પરિસ્‍થિતિ પર કાબૂ મેળવ્‍યો હતો

હૈદરાબાદ તા.૧પઃ ઇન્‍ડિયન પ્રીમિયર લીગ-૨૦૨૫ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ હાલમાં જે લક્‍ઝરી હૉટેલમાં રોકાયા છે ત્‍યાં આગ લાગી હતી. બંજારા હિલ્‍સ વિસ્‍તારમાં આવેલા પાર્ક હયાતના પહેલા માળે આગ લાગી હતી, જેનાથી કોરિડોરમાં ધુમાડો નીકળતો હતો. આ આગ લગતા જ દરેક ખેલાડીઓ દોડીને હૉટેલની બહાર આવી ગયા હોવાના અહેવાલ છે. આ આગની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં હૈદરાબાદની બસ હૉટેલથી બહાર નીકળતા જોવા મળી રહી છે. જોકે આ વીડિયોની હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

આ આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, ફાયર ફાઇટરોએ ઝડપથી ઘટનાસ્‍થળે પહોંચીને પરિસ્‍થિતિ પર કાબૂ મેળવ્‍યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, કોઈ પણ ખેલાડી કે ઓરેન્‍જ આર્મીના જવાનોને ઈજા થઈ નથી અને પરિસ્‍થિતિને પગલે તેમને ઝડપથી બહાર કાઢવામાં આવ્‍યા હતા. આ ઘટના ૧૪ એ-લિ, ૨૦૨૫ ના રોજ સવારે ૮:૫૦ વાગ્‍યે બની હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે આગામી તેલુગુ ફિલ્‍મ ‘ઓડેલા ૨'માટે પ્રી-રિલીઝ ફંક્‍શન સાંજે આ હૉટેલમાં જ યોજાવાનું હતું.

હૉટેલમાં આગને લઈને માહિતી જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્‍યું હતું કે અસરગ્રસ્‍ત ફ્‌લૉરમાંથી નીકળતા ગાઢ ધુમાડાના ગોટેગોટાને કારણે મહેમાનો અને સ્‍ટાફમાં ગભરાટ ફેલાયો હતો, જેમાંથી ઘણા લોકોએ સાવચેતી રૂપે જગ્‍યા ખાલી કરાવી દીધી હતી. આગને તાત્‍કાલિક કાબૂમાં લેવામાં આવી હતી, અને કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. સનરાઇઝર્સ હૈદરાબાદ ક્રિકેટ ટીમ હોટલમાં રોકાઈ હતી. હૈદરાબાદ ડિસ્‍ટ્રિક્‍ટ ફાયર ઓફિસરના જણાવ્‍યા અનુસાર, ટીમે તેમના સમયપત્રક મુજબ ચેક આઉટ કર્યું હતું અને બધા સભ્‍યો સુરક્ષિત છે. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે આગ પહેલા માળે ઇલેક્‍ટ્રિકલ વાયરિંગને કારણે લાગી હશે. (૩પ.પ)

(9:57 AM IST)