<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

શું રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં કૈક સખળડખળ છે ? :સંજુ સેમસન સાથેના સંબંધો બગડવાની અફવાઓ પર રાહુલ દ્રવિડે મૌન તોડ્યું

દિલ્હી કેપિટલ્સ સામેની સુપર ઓવર દરમિયાન, કેપ્ટન સંજુ સેમસન ટીમથી દૂર જોવા મળ્યો હતો

મુંબઈ :આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે અત્યાર સુધી કંઈ સારું થયું નથી. ટીમે IPL 2025 માં કુલ 7 મેચ રમી છે, જેમાંથી રાજસ્થાન 5 મેચ હારી ગયું છે, જ્યારે ટીમે ફક્ત 2 મેચ જીતી છે. રાજસ્થાન કેમ્પમાં બધુ બરાબર નથી તેવા અહેવાલો પણ બહાર આવ્યા છે. દિલ્હી કેપિટલ્સ સામેની સુપર ઓવર દરમિયાન, કેપ્ટન સંજુ સેમસન ટીમથી દૂર જોવા મળ્યો હતો. આ બધી અફવાઓ અંગે રાજસ્થાનના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું નિવેદન બહાર આવ્યું છે. દ્રવિડે સંજુ સેમસન સાથેના તેના સંબંધોમાં ખટાશ આવી હોવાની અફવાઓને પણ સંપૂર્ણપણે ફગાવી દીધી છે.

દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં સુપર ઓવર શરૂ થાય તે પહેલાં, રાહુલ દ્રવિડ સપોર્ટ સ્ટાફ અને પસંદગીના ખેલાડીઓ સાથે વાત કરતા જોવા મળ્યા. જ્યારે દ્રવિડ સુપર ઓવર માટે રાજસ્થાનના બેટ્સમેનોની પસંદગી કરી રહ્યો હતો, ત્યારે સંજુ ગ્રુપથી અલગ થતો જોવા મળ્યો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો. દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં આ બધી અફવાઓ અંગે પોતાનું મૌન તોડ્યું. તેમણે કહ્યું, "મને ખબર નથી કે આ અહેવાલો ક્યાંથી આવી રહ્યા છે. સંજુ અને હું બંને એક જ પાના પર છીએ.

દ્રવિડે વધુમાં કહ્યું, "સેમસન અમારી ટીમનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તે દરેક નિર્ણય અને વાતચીતમાં સામેલ છે. ક્યારેક જ્યારે તમે હારી જાઓ છો અથવા વસ્તુઓ અમારી યોજના મુજબ નથી થતી, ત્યારે અમને પ્રદર્શન અંગે ટીકાનો સામનો કરવો પડે છે. જોકે, આ બધી અફવાઓ વિશે અમે કંઈ કરી શકતા નથી. ટીમ ભાવના ખૂબ સારી છે અને હું આ ખેલાડીઓના પ્રયાસથી ખૂબ પ્રભાવિત છું. ઘણા લોકો જે સમજી શકતા નથી તે એ છે કે જ્યારે ખેલાડીઓ સારું પ્રદર્શન કરતા નથી ત્યારે તેમને સૌથી વધુ ખરાબ લાગે છે.

(11:22 PM IST)