News of Monday, 21st April 2025
KKR vs GT : ગિલ અને સુદર્શનની જોરદાર બેટિંગથી ગુજરાતની કોલકાતામાં 'શુભ' જીત : પ્લેઓફનો દાવો મજબૂત કર્યો
ગુજરાતે કોલકાતાને તેના જ ઘરમાં 39 રને હરાવ્યું : ગિલે 90 અને સુદર્શને 52 રન બનાવ્યા : કોલકાતાની ખરાબ શરૂઆત અને બેટ્સમેનોની નિષ્ફળતા ભારે પડી

કોલકાતા: કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શનની શાનદાર બેટિંગ બાદ બોલરોના જોરદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સને તેના જ ઘર આંગણે 39 રને પરાજય આપ્યો હતો. ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા ત્રણ વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 159 રન જ બનાવી શકી હતી.
શુભમન ગિલે 55 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 90 રનની જોરદાર ઇનિંગ રમી હતી. જ્યારે સાઈ સુદર્શને 36 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 52 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં જોસ બટલરે 23 બોલમાં 41 રનની અણનમ ઇનિંગ રમી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.
કોલકાતાની ખરાબ શરૂઆત:
કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ આ મેચમાં ક્વિન્ટન ડિકોકની જગ્યાએ રહેમાનુલ્લાહ ગુરબાઝને તક આપી હતી. પરંતુ તેમનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ગુરબાઝ પ્રથમ ઓવરના પાંચમા બોલ પર જ આઉટ થઈ ગયો હતો. ગુરબાઝે ચાર બોલમાં માત્ર એક રન બનાવ્યો હતો. સુનીલ નારાયણે જેવો આક્રમક વલણ અપનાવવાનો પ્રયાસ કર્યો કે તરત જ રાશિદ ખાને તેની ઇનિંગનો અંત લાવી દીધો હતો. તે રાહુલ તેવટિયાના હાથે કેચ આઉટ થયો હતો.
રહાણે અને ઐયરે ઇનિંગ સંભાળી:
કોલકાતાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ફરી એકવાર કેપ્ટન રહાણેએ ટીમનો સાથ આપ્યો અને વાઇસ-કેપ્ટન વેંકટેશ ઐયર સાથે મળીને ટીમની ઇનિંગને સંભાળી હતી. રહાણેએ આ સિઝનની પોતાની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ તે પછી વોશિંગ્ટન સુંદરના બોલ પર સ્ટમ્પ આઉટ થયો હતો. તેના પહેલા ઐયરને સાઈ કિશોરે પેવેલિયન ભેગો કરી દીધો હતો. તે 14 રન બનાવીને આઉટ થયો હતો.
રસેલ નિષ્ફળ રહ્યો:
હવે બધી આશાઓ આન્દ્રે રસેલ અને રિંકુ સિંહ પર ટકેલી હતી. રસેલે સાઈ કિશોર પર કેટલાક સારા શોટ ફટકારીને જીતની આશા જગાવી હતી, પરંતુ રાશિદ ખાનની સ્પિન સામે તેનો તોફાન શાંત પડી ગયો હતો. 16મી ઓવરના પાંચમા બોલ પર તે સ્ટમ્પ આઉટ થયો હતો. રસેલે 15 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. રમનદીપ સિંહ (1), મોઈન અલી (0) જલ્દી પેવેલિયન ભેગા થઈ ગયા અને પછી કોલકાતાની હાર નિશ્ચિત થઈ ગઈ હતી.
ટીમે અંગક્રિશ રઘુવંશીને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતાર્યો હતો, પરંતુ તેમનો આ દાવ પણ નિષ્ફળ ગયો હતો. ગુજરાતે ઈશાંત શર્માને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બોલાવ્યો અને તેણે રિંકુ સિંહને પેવેલિયન ભેગો કરી દીધો હતો. તે માત્ર 17 રન જ બનાવી શક્યો હતો.
રહાણેએ ટોસ જીત્યો:
કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જો કે તે અસરકારક સાબિત થયો ન હતો. શુભમન ગિલે તેમની મુશ્કેલીઓ વધારી દીધી હતી. પંજાબના આ યુવા ખેલાડીએ 2018માં જ્યારે કોલકાતા તરફથી આઈપીએલમાં પદાર્પણ કર્યું હતું, ત્યારે જ તેમણે સંકેત આપી દીધા હતા કે તેઓ લાંબી રેસના ઘોડા છે. 2020 અને 2021માં તેમણે કોલકાતા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. 2022માં જ્યારે તેઓ ગુજરાત સાથે જોડાયા તો ત્યાં પણ પોતાનો જાદુ દેખાડીને નવી બનેલી આ ટીમને તેની પ્રથમ જ સિઝનમાં ખિતાબ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગિલે તે સિઝનમાં 483 રન બનાવ્યા હતા.
શુભમન-સુદર્શનની સદીની ભાગીદારી:
શુભમન અને સુદર્શને ગુજરાતને ખૂબ જ મજબૂત શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી હતી. ગિલે 34 બોલમાં સિઝનની પોતાની ત્રીજી તો સુદર્શને 33 બોલમાં પાંચમી અડધી સદી ફટકારી હતી. આન્દ્રે રસેલે સાઈ સુદર્શનને વિકેટકીપર ગુરબાઝના હાથે કેચ આઉટ કરાવીને આ ભાગીદારી તોડી હતી.
સુદર્શને ઓરેન્જ કેપ પહેરી:
કોલકાતા સામેની મેચમાં પોતાનો ચોથો રન બનાવતા જ સુદર્શને લખનૌના નિકોલસ પૂરન પાસેથી ઓરેન્જ કેપ છીનવી લીધી હતી. પૂરનના આઠ મેચમાં 368 રન છે જ્યારે સુદર્શનના હવે એટલા જ મેચમાં 417 રન થઈ ગયા છે. તેની 36 બોલની ઇનિંગમાં છ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
બટલરને બે વખત જીવતદાન મળ્યું:
આ મેચમાં કોલકાતાનું નબળું ફિલ્ડિંગ પણ જોવા મળ્યું હતું. પહેલા હર્ષિત રાણાના બોલ પર વૈભવ અરોરાએ અને પછી વરુણ ચક્રવર્તીના બોલ પર મનીષ પાંડેએ બટલરનો કેચ છોડ્યો હતો.
લાચાર બોલરો:
શું આ એ જ બોલરો હતા, જેમણે પાછલી બે મેચોમાં પહેલા ચેન્નાઈને 103 અને પછી પંજાબને 111 રનમાં સમેટ્યા હતા. ગુજરાતના બેટ્સમેનો સામે કોલકાતાના બોલરો બેઅસર દેખાયા હતા. આન્દ્રે રસેલ, હર્ષિત રાણા અને વૈભવ અરોરાને એક-એક વિકેટ મળી હતી જ્યારે વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ ખાલી હાથે રહ્યા હતા.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
