<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

બુમરાહે T20 ક્રિકેટમાં 300 વિકેટનો આંકડો સ્પર્શયો :મલિંગાના રેકોર્ડની બરોબરી કરી

જસપ્રીત બુમરાહ ટી20 કારકિર્દીમાં 300 વિકેટ લેનાર ચોથો બોલર બન્યો

મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન દિગ્ગજ લસિત મલિંગાના સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડની બરાબરી કરી હતી. હૈદરાબાદના સ્ટાર બેટ્સમેન હેનરિક ક્લાસેનની વિકેટ લેનાર બુમરાહે T20 ક્રિકેટમાં 300 વિકેટનો આંકડો પણ સ્પર્શ્યો હતો. જસપ્રીત બુમરાહે ટી20 કારકિર્દીમાં 300 વિકેટ લેનાર ચોથો બોલર બન્યો છે.

જસપ્રીત બુમરાહ ઉપરાંત અશ્વિન (315), ભુવનેશ્વર કુમાર (318) અને યુઝવેન્દ્ર ચહલ (373) એ ટી20 ક્રિકેટમાં 300 થી વધુ વિકેટ મેળવી છે. બુમરાહે ગુરુવારે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. તેણે ચાર ઓવરમાં 39 રન આપીને હેનરિક ક્લાસેનની મોટી વિકેટ લીધી હતી, જે 44 બોલમાં 71 રન બનાવીને આઉટ થયો હતો.

આઈપીએલ 2025માં જસપ્રીત બુમરાહે પાંચ મેચમાં પાંચ વિકેટ લીધી છે. હૈદરાબાદ સામે એક વિકેટ લઈને બુમરાહે મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી વધુ વિકેટ લેવાના લસિત મલિંગાના રેકોર્ડની બરાબરી કરી છે. જસપ્રીત બુમરાહ અને લસિત મલિંગાએ મુંબઈ માટે 170 વિકેટ લીધી છે. મલિંગાનો રેકોર્ડ તોડવા માટે બુમરાહને ફક્ત એક વિકેટની જરૂર છે. લસિત મલિંગા હાલમાં મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલિંગ કોચ છે.

આ સાથે બુમરાહ IPL ઇતિહાસમાં સંયુક્ત રીતે આઠમા સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. મલિંગાએ 122 ઇનિંગ્સમાં 170 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે બુમરાહે 138 ઇનિંગ્સમાં લીધી હતી. મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટથી હરાવ્યું છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.

 


 

(6:49 PM IST)