News of Friday, 25th April 2025
આઇપીએલના આ ૬ ‘‘સુતળી બોમ્બ'' જે સૂરસૂરિયા થઈ ગયાં, ટી૨૦ના ધૂરંધરોએ માલિકોને રાતે પાણીએ રડાવ્યાં
નામ બડે ઔર દર્શન છોટે વાળી કહેવત તો તમે બધાએ ઘણી વાર સાંભળી હશે, જે આઈપીએલમાં કેટલાક ખેલાડીઓ પર બિલકુલ ફીટ બેસે છે

નવી દિલ્હીઃ નામ બડે ઔર દર્શન છોટે વાળી કહેવત તો તમે બધાએ ઘણી વાર સાંભળી હશે, જે આઈપીએલમાં કેટલાક ખેલાડીઓ પર બિલકુલ ફીટ બેસે છે. ફેલ ખેલાડીઓની યાદીમાં ઘણાં એવા નામ છે જે તમને ચોંકાવી શકે છે અને તે ટી૨૦ના ધૂરંધર માનવામાં આવે છે. આ સ્ટાર ખેલાડીઓના ખરાબ પ્રદર્શનની સીધી અસર ટીમ પર પડી રહી છે.
આઈપીએલ ૨૦૨૫ માટે જ્યારે ટીમ બની રહી હતી તો કેટલાક ખેલાડીઓને ફ્રેન્ચાઈઝીએ રિટેન કર્યા તો કેટલાકને મોટી રકમ આપીને ટીમ સાથે જોડવામાં આવ્યા એ આશા સાથે કે, તે એક ટુર્નામેન્ટમાં મોટો ફેરફાર કરી શકે છે પણ થયું એકદમ ઊંધું. એ તમામ ખેલાડી ફેલ રહ્યા જેના કારણે ટીમો પોઈન્ટ ટેબલ પર સ્ટ્રગલ કરતી જોવા મળી.આઈપીએલ ૨૦૨૫માં મોટા મોટા પાવર હિટર ફેલ રહ્યા છે. તેમાં સૌથી મોટું નામ છે આંદ્રે રસેલ, દુનિયાના આક્રમક બેટ્સમેનમાંથી એક રસેલના આ સિઝનના પ્રદર્શને બધાના નિરાશ કર્યા છે. રસેલે કોલકાતા નાઈટ રાઇડર્સ માટે અત્યાર સુધીમાં ૬ ઇનિંગમાં માત્ર ૫૫ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ માત્ર ૧૧૯.૫૭ નો રહ્યો છે. મોટાભાગની ટીમોએ રસેલ સામે બોડીલાઇનની રણનીતિ બનાવી જેનો તોડ રસેલ શોધી શકયો નહીં. પરિણામે કેકેઆર પોઈન્ટ ટેબલ પર ૭માં નંબરે છે.
રિષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સે ૨૭ કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. પંત વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. પરંતુ આ વર્ષે તેણે બધાને નિરાશ કર્યા છે. પંતે ૮ ઇનિંગમાં ૧૩.૨૫ની સરેરાશથી ૧૦૬ રન બનાવ્યા છે. જ્યારે તેનો સ્ટ્રાઇક રેટ ૯૬.૩૭નો છે. પંતથી ટીમ મેનેજમેન્ટ કેટલું નિરાશ છે તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ગત મેચમાં તેને ૭માં નંબરે બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો. લખનઉની ટીમ પણ પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા નંબર પર છે.
ગ્લેન મેક્સવેલ પોતાની આક્રમક બેટિંગથી એકલા હાથે મેચ જીતાવવાનો દમ રાખે છે. પરંતુ પંજાબ કિંગ્સ માટે આ સિઝનમાં રમી રહેલા મેક્સવેલનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. મેક્સવેલે ૬ મેચની ૫ ઇનિંગમાં માત્ર ૮.૨ની સરેરાશથી ૪૧ રન બનાવ્યા છે. જ્યારે તેનો સ્ટ્રાઇક રેટ ૧૦૦નો રહ્યો છે. ત્યાર બાદ ગત કેટલીક મેચમાં તે ટીમની બહાર ચાલી રહ્યો છે. તેની ટીમ પણ ૫માં નંબરે ચાલી રહી છે.
ડેવિડ મિલરે આઈપીએલમાં પોતાની આક્રમક બેટિંગથી ટીમને ઘણી મેચ જીતાવી છે. આ વર્ષે મિલર ધ કિલરનું બેટ ચાલી રહ્યું નથી. મિલરે ૯ મેચમાં ૨૭ની સરેરાશથી ૧૨૨.૯૨ની સ્ટ્રાઇક રેટથી ૧૧૮ રન બનાવ્યા છે. આ વર્ષે તે લખનઉની ટીમનો ભાગ છે. મિલરને મેચ ફિનિશરનો રોલ મળ્યો હતો, જેના પર તે સતત ફેલ થઈ રહ્યો છે.
લિયામ લિવિંગસ્ટનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ આ વર્ષે ટીમમાં સામેલ કર્યો હતો. ફિનિશરની ભૂમિકામાં લિવિંગસ્ટન બિલકુલ ફ્લોપ રહ્યો છે. તેણે ૭ મેચમાં ૧૭.૪ની સરેરાશથી ૮૭ રન બનાવ્યા છે. જ્યારે તેનો સ્ટ્રાઇક રેટ માત્ર ૧૨૭.૯૫નો રહ્યો છે. લિવિંગસ્ટોનનું પ્રદર્શન એટલું ખરાબ હતું કે, ઘણા એક્સપર્ટ્સે એવું પણ કહી દીધું કે, તે રજા ગાળવા માટે આઈપીએલ રમે છે.
ઈશાન કિશને ભલે ટુર્નામેન્ટમાં એક સદી ફટકારી છે. પણ તે ૮ ઇનિંગમાં ૨૩.૧૭ની સરેરાશ અને ૧૬૩.૫૩ની સ્ટ્રાઇક રેટથી ૧૩૯ રન જ બનાવી શકયો છે. છેલ્લી સાત ઇનિંગમાં કિશને ફેન્સને નિરાશ કર્યા છે. તેણે ૫.૫ની સરેરાશથી માત્ર ૩૩ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ ૮૬.૫૪નો રહ્યો છે. બીસીસીઆઈએ કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં જગ્યા આપી દીધી છે પણ તેની હૈદરાબાદમાં જગ્યા હાલ જોખમમાં હોય એવું લાગી રહ્યું છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
