<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

IPL 2015 - RR vs GT : વૈભવના સદીના તોફાનમાં ઊડી ગુજરાત ટાઇટન્સ : રાજસ્થાનની પ્લેઓફની આશાઓ જીવંત

વૈભવ સૂર્યવંશીની 38 બોલમાં 101 રનની અણનમ ઇતિહાસિક ઇનિંગ : રાજસ્થાને 8 વિકેટે ભવ્ય જીત મેળવી

જયપુર: રાજસ્થાન રોયલ્સે IPL 2025માં પોતાની પ્લેઓફની આશાઓ જીવંત રાખી છે. સોમવારે રમાયેલા મુકાબલામાં રાજસ્થાને ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે ધમાકેદાર હરાવ્યું. ગુજરાત ટાઇટન્સે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતાં 210 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેને રાજસ્થાને આસાનીથી પાર પાડી લીધો.
રાજસ્થાનની જીતમાં 14 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ તોફાની સદી ફટકારી હતી. તેણે માત્ર 38 બોલમાં અણનમ 101 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થાય છે. વૈભવે માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી હતી અને તે IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે.
આ પહેલા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે 50 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. ગિલે સાઈ સુદર્શન (39) સાથે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી. જોસ બટલરે પણ અણનમ 50 રન બનાવ્યા હતા. જો કે, રાજસ્થાનના બેટ્સમેનો સામે ગુજરાતના બોલરો ટકી શક્યા નહોતા અને વૈભવના તોફાની પ્રદર્શન સામે તેમની બોલિંગ ફિક્કી પડી ગઈ હતી.
આ જીત સાથે રાજસ્થાન રોયલ્સના 10 મેચમાં 6 પોઈન્ટ થયા છે અને તેમની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ હજુ પણ કાયમ છે. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સને આ હારથી મોટો ઝટકો લાગ્યો છે, જે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. રાજસ્થાને આ જીત સાથે ગુજરાત સામેની અગાઉની હારનો બદલો પણ લીધો હતો, જેમાં ગુજરાત ટાઇટન્સે તેમને 58 રને હરાવ્યું હતું. રાજસ્થાન માટે આ 'કરો યા મરો'નો મુકાબલો હતો અને ટીમે શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી હતી.

 

(11:12 PM IST)