<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

IPL 2025 - DC vs KKR : ફિનિશર્સે દિલ્હી કેપિટલ્સને આપ્યો 'ધોખો' : કોલકાતા નાઈટરાઈડર્સ જીતનાં પાટા પર પાછી ફરી

અરુણ જેટલી સ્ટેડિયમમાં KKRએ DCને ૧૪ રને હરાવ્યું : અંતિમ ઓવરોમાં દિલ્હીના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા : કોલકાતાની બોલિંગે અપાવી જીત

નવી દિલ્હી: IPL ૨૦૨૫માં કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) જીતની પાટા પર પાછી ફરી છે. પાછલી ત્રણ મેચોમાં KKRને બે હાર મળી હતી જ્યારે એક મેચ વરસાદના કારણે અનિર્ણિત રહી હતી. હવે KKRએ દિલ્હી કેપિટલ્સ (DC)ને અરુણ જેટલી સ્ટેડિયમ પર ૧૪ રને હરાવી દીધું છે. પ્રથમ બેટિંગ કરતાં KKRની ટીમે ૯ વિકેટે ૨૦૪ રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમ એક સમયે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી હતી. ટીમને ૩૭ બોલમાં ૬૭ રન જોઈતા હતા અને ૭ વિકેટ બાકી હતી. તેમ છતાં ટીમ ૯ વિકેટે ૧૯૦ રન જ બનાવી શકી. દિલ્હીની ૧૦ મેચમાં આ ચોથી હાર છે. ટીમના બંને મુખ્ય ફિનિશર આશુતોષ શર્મા અને ટ્રિસ્ટન સ્ટબ્સે નિરાશ કર્યા હતા.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં કોલકાતાએ પોતાના ટોપ ઓર્ડરના બેટ્સમેનોના ઉપયોગી પ્રદર્શનની મદદથી એક મજબૂત સ્કોર બનાવ્યો હતો. અંગક્રિશ રઘુવંશીએ ૩૨ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૪૪ રનની ઇનિંગ રમી હતી. રિંકુ સિંહે ૨૫ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૩૬ રન બનાવ્યા હતા. ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે ૧૨ બોલમાં ૨૬ રનમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. સુનીલ નારાયણે ૧૬ બોલમાં ૨૭ રનમાં બે ચોગ્ગા અને બે છગ્ગા માર્યા હતા. કેપ્ટન અજિંક્ય રહાણેએ ૧૪ બોલમાં ૨૬ રનમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. આન્દ્રે રસેલે નવ બોલમાં ૧૭ રનમાં બે ચોગ્ગા અને એક છગ્ગો માર્યો હતો.
કોલકાતાએ આક્રમક શરૂઆત કરી હતી પરંતુ પાવરપ્લે બાદ તરત જ સતત વિકેટો ગુમાવી દીધી હતી. જો કે, ત્યારબાદ રિંકુ અને રઘુવંશી વચ્ચે ભાગીદારી થઈ અને તેઓએ એક મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. સ્ટાર્કે છેલ્લી ઓવરમાં ત્રીજા બોલ પર રોવમન પોવેલ અને ચોથા બોલ પર અનુકુલ રોયની વિકેટ લીધી હતી પરંતુ પાંચમા બોલ પર રસેલ રન આઉટ થયો હતો. વેંકટેશ ઐયર સાત રન બનાવીને આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં દિલ્હીના બેટ્સમેનો દબાણમાં આવી ગયા અને લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા. કોલકાતાના બોલરોએ શાનદાર બોલિંગ કરીને ટીમને જીત અપાવી હતી.

 

(11:32 PM IST)