<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

કુલદીપ યાદવે મેદાન વચ્ચે રિંકુ સિંહને માર્યા જોરદાર થપ્પડ : KKRના સ્ટારનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ : જુઓ વાયરલ વીડિયો

દિલ્હી કેપિટલ્સ અને KKRની મેચ બાદ કુલદીપ યાદવની રિંકુ સિંહ સાથેની મજાક ભારે પડી : બે થપ્પડ માર્યા બાદ રિંકુનો ચહેરો જોવા જેવો હતો : વીડિયો થયો વાયરલ

નવી દિલ્હી: ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે મંગળવારે દિલ્હી કેપિટલ્સ સામે રોમાંચક જીત નોંધાવી હતી. IPL ૨૦૨૫ના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ ૪૮મી મેચમાં KKRએ DCને ૧૪ રને હરાવ્યું હતું. આ મેચ બાદ મેદાન પર એક એવી ઘટના જોવા મળી, જેને જોઈને સૌ કોઈ ચોંકી ગયા. દિલ્હીના ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે KKRના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને મેદાન વચ્ચે ઉપરાઉપરી બે જોરદાર થપ્પડ મારી દીધા. કુલદીપની આ હરકતથી રિંકુ સિંહનો ચહેરો જોવા જેવો થઈ ગયો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મેચ બાદ દિલ્હી અને KKRના કેટલાક ખેલાડીઓ મેદાન પર વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન કુલદીપ યાદવે મજાકિયા અંદાજમાં રિંકુ સિંહને એક થપ્પડ મારી દીધો. જો કે આ થપ્પડ મજાકમાં મારવામાં આવ્યો હતો, પરંતુ તે એટલો જોરદાર હતો કે રિંકુ સિંહનો ચહેરો પડી ગયો હતો. તે ગુસ્સાથી કુલદીપ સામે તાકી રહ્યો હતો, એટલામાં જ કુલદીપે બીજો થપ્પડ માર્યો, જેનાથી રિંકુ ગુસ્સે ભરાયો હતો.
કુલદીપ યાદવ દ્વારા રિંકુ સિંહને થપ્પડ મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે રિંકુ સિંહે મંગળવારે દિલ્હી સામે માત્ર ૨૫ બોલમાં ૩૬ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. પોતાની આ ઇનિંગમાં રિંકુએ ૩ ચોગ્ગા અને એક છગ્ગો પણ ફટકાર્યો હતો.
જો કે, IPL ૨૦૨૫માં રિંકુ સિંહ આ વખતે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તે આ સિઝનમાં રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. તેણે અત્યાર સુધી ૧૦ મેચમાં માત્ર ૧૬૯ રન બનાવ્યા છે. આ સિઝનમાં તેના બેટથી એક પણ અડધી સદી આવી નથી અને તેનો સર્વોચ્ચ સ્કોર ૩૮ રન રહ્યો છે. આ જ કારણ છે કે KKRને ૧૦ મેચમાંથી માત્ર ૪માં જ જીત મળી છે અને તે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. મેચ બાદની આ ઘટનાએ ખેલાડીઓ વચ્ચેના હળવા સંબંધોને દર્શાવે છે, પરંતુ મેદાન પરની આવી હરકતો ચોક્કસપણે ચર્ચાનો વિષય બની છે.

(10:16 AM IST)