News of Sunday, 11th May 2025
વિરાટના સંન્યાસના સમાચાર સાંભળી બ્રાયન લારા ભાવુંક, લખ્યું- 'ટેસ્ટ ક્રિકેટને કોહલીની જરૂર'

નવી દિલ્હીઃ રોહિત શર્મા બાદ વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સંદર્ભે કોહલીએ BCCIને જાણ પણ કરી દીધી છે. વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસના સમાચાર સાંભળીને વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારા ભાવુંક થઈ ગયો છે.
BCCI દ્વારા વિરાટ કોહલીને પોતાના નિર્ણય અંગે પુનર્વિચાર કરવા કહ્યું છે. આ માટે તે વિરાટ કોહલી સાથે બેઠક પણ કરશે. જો કે વિરાટ કોહલી પોતાનો નિર્ણય બદલશે કે કેમ? તેના વિશે હજુ કોઈ સ્પષ્ટતા નથી. જો કે સિલેક્શન કમિટી ઈચ્છે છે કે, કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાની સાથે રહે, કારણ કે આ પ્રવાસમાં રોહિત શર્મા પણ ટીમ સાથે નહીં હોય.
ટેસ્ટ ક્રિકેટમાં 131 મેચમાં 11,953 રન બનાવનાર વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, ટેસ્ટ ક્રિકેટને વિરાટની જરૂરત છે. તે રમવાનું ચાલું રાખે. વિરાટ ટેસ્ટ ક્રિકેટ છોડીને રિટાયર્ડ નહીં થાય. વિરાટ કોહલીની હવે પછીને ટેસ્ટ કેરિયરમાં 60ની સરેરાશથી વધુ રહેશે.
જણાવી દઈએ કે, અગાઉ ઑસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કોહલીનું પ્રદર્શન કંઈ ખાસ નહતુ. પર્થમાં રમાયેલી ટેસ્ટ મેચની બીજી ઈનિંગ્સમાં કોહલીએ સદી ફટકારી હતી. જેની મદદથી ભારતને 295 રને જીત મળી હતી. જો કે તે પછી કોહલીનું ફોર્મ ગાયબ થઈ ગયું અને ભારતે સિરીઝ 1-3થી ગુમાવી હતી.
પહેલા રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. એટલે કે, હવે રોહિત ઈંગ્લેન્ડના પ્રવાસે ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય. જેના પરિણામે ટીમમાં એક અનુભવી ખેલાડીની કમી વર્તાશે. એવામાં જો કોહલી પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઈ લે, તો ટીમ ઈન્ડિયાને તેના અનુભવની પણ કમી વર્તાઈ શકે છે. આજ કારણોસર BCCI વિરાટ કોહલીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સિલેક્શન કમિટી ઈંગ્લેન્ડ પ્રવાસ વખતે વિરાટ કોહલીને ફરીથી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સોંપવા માંગે છે, જેથી શુભમન ગિલને લીડરશિપના ગુણ શીખવા મળી શકે. જે બાદ ગિલનું કેપ્ટન બનવાનું લગભગ નક્કી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
