<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

આઇપીએલ-2025માં પહેલી વાર બાંગ્લાદેશી ક્રિકેટરઃ ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને છ કરોડમાં ખરીદ્યો

હવે દિલ્હી કૅપિટલ્સની બાકી રહેલી મૅચોને ધ્યાનમાં રાખીને એ મુજબ જ મુસ્તફિઝુરને મૅચ ફી મળશે.

નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં આઇપીએલ-2025 વર્તમાન સીઝન માટે આયોજિત ખેલાડીઓની હરાજીમાં બાંગ્લાદેશના 13માંથી એક પણ પ્લેયરને કોઈ પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો, પરંતુ બુધવારે નિયમોમાં થયેલા ફેરફારને આધીન દિલ્હી કૅપિટલ્સ (DC)એ ઑસ્ટ્રેલિયાના આક્રમક બૅટ્સમૅન જેક ફ્રેઝર-મૅકગર્કના સ્થાને બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને છ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જોકે એવું મનાય છે કે હવે ડીસીની બાકી રહેલી મૅચોને ધ્યાનમાં રાખીને એ મુજબ જ મુસ્તફિઝુરને મૅચ ફી મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2009ની સાલથી આઇપીએલમાં પાકિસ્તાનના એક પણ ખેલાડીને રમવા નથી મળ્યું, 2025ની આઇપીએલની શરૂઆત પહેલાં બાંગ્લાદેશમાં વ્યાપક પ્રમાણમાં ભારત-વિરોધી વલણ અપનાવાયું હોવાથી આઇપીએલના ઑક્શનમાં એક પણ બાંગ્લાદેશી ખેલાડીને નહોતો સિલેક્ટ કરવામાં આવ્યો.
ભારત-પાકિસ્તાન વચ્ચેનો જંગ હમણાં તો શમી ગયો છે, પણ ભયભીત થયેલા આઇપીએલના કેટલાક વિદેશી ખેલાડીઓ પાછા ભારત આવતા ડરે છે અથવા આવવાનું ટાળી રહ્યા છે અને જેક ફ્રૅઝર એમાંનો એક છે.
મુસ્તફિઝુર અગાઉ 2022માં અને 2023માં દિલ્હી વતી જ રમ્યો હતો અને બન્ને સીઝનમાં તેણે નવ-નવ વિકેટ લીધી હતી.
આઇપીએલ આઠમી મેએ ભારત-પાકિસ્તાન જંગને કારણે સ્થગિત કરી દેવાઈ એ પહેલાં આ ટૂર્નામેન્ટમાં એવો નિયમ હતો કે જો કોઈ ખેલાડી બીમાર પડે કે ગંભીર રીતે ઈજા પામે અને આ ટૂર્નામેન્ટમાં વધુ ન રમી શકે એમ હોય તો જ તેના સ્થાને બીજા કોઈ ખેલાડીને મેળવી શકાય. જોકે 17મી મે-3 જૂન દરમ્યાન રમાનારી આઇપીએલની બાકીની મૅચો માટે નિયમમાં થોડો ફેરફાર કરાયો છે જે મુજબ જે ખેલાડી આ સીઝનમાં બાકીની મૅચો રમવા ન આવે તેના સ્થાને બીજા કોઈ ખેલાડીને સ્ક્વૉડમાં સમાવવાની ટીમોને છૂટ અપાઈ છે.

 

(8:41 PM IST)