<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડશે : દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને તેની T20 કારકિર્દીમાં 8000 રન પૂરા કરવા માટે ફક્ત 33 રનની જરૂર

રાહુલના હાલમાં 7967 રન છે જેમાં 6 સદી અને 68 અડધી સદીનો સમાવેશ થાય છે,આ યાદીમાં ટોચ પર વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન ક્રિસ ગેલ છે

નવી દિલ્હી તા.૧૮ :  દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને તેની T20 કારકિર્દીમાં 8000 રન પૂરા કરવા માટે ફક્ત 33 રનની જરૂર છે, તે આવું કરતાની સાથે જ વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડી નાખશે. રાહુલ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે અને આજે (રવિવારે)ગુજરાત ટાઇટન્સ સામેની મહત્વપૂર્ણ મેચમાં તે સારી ઇનિંગ્સ રમશે તેવી અપેક્ષા છે.

કેએલ રાહુલ એક મોટો રેકોર્ડ બનાવી શકે

અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ, દિલ્હી કેપિટલ્સે 11 માંથી 6 મેચ જીતી છે, એક મેચ અનિર્ણિત રહી હતી. ટીમ 13 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. આજની મેચ પછી પણ, તેણે આગામી બંને મેચ જીતવી પડશે, પરંતુ જો ટીમ એક પણ મેચ હારી જાય છે, તો પ્લેઓફમાં પહોંચવાનું તેનું સ્વપ્ન અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેશે. આજે કેએલ રાહુલ પોતાના નામે એક મોટો રેકોર્ડ બનાવી શકે છે.

કોહલી 8 હજાર રન બનાવનાર ભારતીય બેટ્સમેન

વિરાટ કોહલી હાલમાં T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 8 હજાર રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. તે વિશ્વમાં ત્રીજા ક્રમે છે. પરંતુ આજે કેએલ રાહુલ તેનો રેકોર્ડ તોડી શકે છે. વિરાટે 257 મેચ અને 243 ઇનિંગ્સમાં પોતાની T20 કારકિર્દીના 8000 રન પૂરા કર્યા. 

કેએલ રાહુલ તોડી શકે રેકોર્ડ

આજે કેએલ રાહુલનો 237 મેચ અને 224મો દાવ હશે, તે તેના 8 હજાર T20 રનથી માત્ર 33 રન દૂર છે. રાહુલના હાલમાં 7967 રન છે, જેમાં 6 સદી અને 68 અડધી સદીનો સમાવેશ થાય છે. આ યાદીમાં ટોચ પર વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન ક્રિસ ગેલ છે, જેમણે 217 મેચ અને 213 ઇનિંગ્સમાં આ આંકડો હાંસલ કર્યો હતો. બીજા નંબરે બાબર આઝમ છે, જેમણે 227 મેચ અને 218 ઇનિંગ્સમાં 8 હજાર T20 રન પૂરા કર્યા છે.

IPL 2025 માં KL રાહુલનું પ્રદર્શન

પહેલી મેચ ચૂકી ગયેલા કેએલ રાહુલે આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે 10 મેચમાં 381 રન બનાવ્યા છે. જેમાં 3 અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. તેણે 30 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા છે. રાહુલે 10 એપ્રિલે બેંગલુરુમાં અણનમ 93 રન બનાવીને આરસીબી સામે જ પોતાની સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણે ચેન્નાઈ અને લખનૌ સામે અન્ય 2 અડધી સદી ફટકારી છે. છેલ્લી વખત જ્યારે દિલ્હી વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ મેચ હતી, ત્યારે રાહુલે 28 રન બનાવ્યા હતા.

 

(1:52 PM IST)