<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

સદીની ઉજવણી વચ્ચે ઋષભ પંત પર BCCI દ્વારા 30 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારાયો :જાણો કેમ

દિગ્વેશ રાઠી સહિત તમામ ખેલાડીઓની મેચ ફી પણ કાપવામાં આવી હતી.

મુંબઈ : આઇપીએલ સીઝનના છેલ્લા લીગ સ્ટેજ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે RCB સામે 118 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં તેણે 'ફ્લિપ' કરીને પોતાની સદીની ઉજવણી કરી હતી, આ તેના માટે સંતોષકારક ઇનિંગ હતી કારણ કે આ પહેલા આખી સીઝનમાં તેના બેટમાંથી ફક્ત 151 રન જ આવ્યા હતા. મેચ પછી BCCIએ કેપ્ટન પંત પર 30 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો હતો. જ્યારે દિગ્વેશ રાઠી સહિત તમામ ખેલાડીઓની મેચ ફી પણ કાપવામાં આવી હતી.

LSGના કેપ્ટન ઋષભ પંત અને તેની ટીમને RCB સામેની મેચ દરમિયાન ધીમો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. IPLની આચારસંહિતા હેઠળ લઘુત્તમ ઓવર-રેટના ગુનાઓ સંબંધિત સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનો આ ત્રીજો ગુનો હોવાથી ટીમના કેપ્ટન ઋષભ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે આ મેચમાં પ્લેઇંગ ઇલેવનના બાકીના ખેલાડીઓ અને ઇમ્પેક્ટ પ્લેયરને વ્યક્તિગત રીતે 12 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 50 ટકા (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો છે.

IPL 2025 માં પંતનું વ્યક્તિગત પ્રદર્શન પણ સારું નહોતું, તેણે છેલ્લી મેચ પહેલા રમાયેલી 13 ઇનિંગ્સમાં ફક્ત 151 રન બનાવ્યા હતા. છેલ્લી મેચમાં, તેણે 118 રનની અણનમ ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર 227 સુધી પહોંચાડ્યો હતો. જોકે, LSG આ મોટા સ્કોરનો બચાવ કરતી વખતે પણ હારી ગયું હતું.

ઋષભ પંતે IPL 2025 ની 14 મેચમાં 24.45 ની સરેરાશથી 269 રન બનાવ્યા, જે તેની કિંમતને અનુરૂપ નથી. તેને લખનૌ દ્વારા 27 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, એવી અપેક્ષા હતી કે તે ટીમ માટે ટાઇટલ જીતશે પરંતુ તેની ટીમ લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ.

RCBના કેપ્ટન જીતેશ શર્મા જેમણે 33 બોલમાં 85 રન બનાવ્યા, તેમને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા. આ ઇનિંગમાં તેમણે 6 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા ફિલ સોલ્ટ (30) અને વિરાટ કોહલી (54) એ શાનદાર શરૂઆત આપી હતી. મયંક અગ્રવાલે પણ 23 બોલમાં 41 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ જીત સાથે આરસીબીએ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને સફર પૂર્ણ કરી છે.

(12:05 PM IST)