<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

આઈપીએલના ૮ વિદેશી ખેલાડીઓ ટીમનો સાથ છોડી ગયા, ગુજરાત ટાઈટન્‍સને સૌથી વધુ નુકસાન

જોસ બટલર, કગિસો રબાડા, વિલ જેક્‍સ સહિતના પ્‍લેયર્સ વતન રવાના

નવી દિલ્‍હીઃ આઈપીએલ ૨૦૨૫ હવે પોતાના અંતિમ પડાવ પર છે. ટુર્નામેન્‍ટની લીગ મેચ પૂર્ણ થઈ ચૂકી છે. હવે ૨૯ મેથી પ્‍લેઓફ મેચ શરૂ થઈ રહી છે. જેના માટે ચાર ટીમોએ ક્‍વોલિફાય કર્યું છે. આઈપીએલના આ સૌથી મુશ્‍કેલ તબક્કામાંથી ૮ વિદેશી ખેલાડી પોતાની ટીમનો સાથ છોડીને રવાના થઈ ગયા છે. તેનાથી સૌથી વધુ નુકસાન મુંબઈ ઇન્‍ડિયન્‍સ અને રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોરુને થઈ શકે છે. ગુજરાત ટાઇટન્‍સનો સ્‍ટાર બેટ્‍સમેન પણ પ્‍લેઓફમાં સામેલ નહીં હોય. પંજાબ કિંગ્‍સ માટે રમતો સાઉથ આફ્રિકન પેસર માર્કો યાનસેન પણ ટીમનો સાથ છોડી ગયો છે.મુંબઈ ઇન્‍ડિયન્‍સના વિલ જેક્‍સ, રિયાન રિકેલ્‍ટન અને કોર્બિન બોશ પ્‍લેઓફમાં સાથે નહીં હોય. વિલ જેક્‍સ ઇંગ્‍લેન્‍ડની વનડે સિરીઝ માટે સ્‍વદેશ પરત ફર્યો છે. રિયાન રિકેલ્‍ટન અને કોર્બિન બોશ પણ ઇંગ્‍લેન્‍ડ પરત જશે. દક્ષિણ આફ્રિકાના આ બંને ખેલાડી ડબ્‍લ્‍યૂટીસી ફાઇનલ રમતા જોવા મળી શકે છે.

મુંબઈ ઇન્‍ડિયન્‍સે વિલ જેક્‍સનના રિપ્‍લેસમેન્‍ટ તરીકે જોની બેયસ્‍ટો, રિકેલ્‍ટનની જગ્‍યાએ રિચર્ડ ગ્‍લીસન અને કોર્બિન બોશની જગ્‍યાએ ચરિથ અસલંકાને ટીમમાં સામેલ કર્યો છે.

આરસીબીના બે ખેલાડી પ્‍લેઓફમાં જોવા નહીં મળે. આ ખેલાડીમાં જેકબ બેથલ અને લુંગી એન્‍ગિડીનો સમાવેશ થાય છે. આરસીબીના જેકબ બેથલ અને લુંગી એન્‍ગિડીના રિપ્‍લેસમેન્‍ટ તરીકે ટિમ સાઇફર્ટ અને બ્‍લેસિંગ મુજરબાનીને પોતાની ટીમમાં જગ્‍યા આપી છે. જોકે, ટીમનો એક અન્‍ય વિદેશી સ્‍ટાર જોશ હેઝલવુડ ફિટ થઈ ગયો છે. તેનાથી આરસીબી થોડી રાહતનો અનુભવ કરી શકે છે.

ગુજરાત ટાઇટન્‍સને પ્‍લેઓફમાં જોસ બટલર અને કગિસો રબાડાની ઓછપ વર્તાશે. બટલર ઇંગ્‍લેન્‍ડની વનડે સિરીઝ માટે પરત ફર્યો છે. કગિસો રબાડા ડબ્‍લ્‍યૂટીસી ફાઇનલ માટે દક્ષિણ આફ્રિકન ટીમ સાથે જોડાશે. દક્ષિણ આફ્રિકન પેસર માર્કો યાનસેન પણ પંજાબ કિંગ્‍સને છોડીને પોતાની નેશનલ ટીમ સાથે જોડાવા માટે રવાના થઈ ગયો છે. જોકે આ વિદેશી સ્‍ટાર આઈપીએલ છોડીને જાય તેમાં સૌથી ઓછું નુકસાન પંજાબ કિંગ્‍સને થતું દેખાઈ રહ્યું છે. તેનો માત્ર એક ખેલાડી જ પ્‍લેઓફની મેચમાં રમશે નહીં

(3:59 PM IST)