<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

ચાહકોને થશે નિરાશા : આ વર્ષે પણ ધોનીને ICC તરફથી કોઈ મોટું સન્માન નહીં મળે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ફરી વાર વિશ્વના 7 મહાન ખેલાડીઓના નામ ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરશે : ટીમ ઇન્ડિયા માટે 7 નંબરની જર્સી પહેરીને મોટી સફળતા મેળવનાર ધોનીનું નામ આ યાદીમાં સામેલ કરાશે નહીં

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ફરી એકવાર વિશ્વના 7 મહાન ખેલાડીઓના નામ ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવા જઈ રહી છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલા તે ખેલાડીઓના નામ જાહેર કરશે. ટીમ ઇન્ડિયા માટે 7 નંબરની જર્સી પહેરીને મોટી સફળતા મેળવનાર કેપ્ટન કૂલ એમએસ ધોનીનું નામ આ યાદીમાં સામેલ કરવામાં આવશે નહીં. વર્ષ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનારા ધોનીના ચાહકો આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ આ વર્ષે પણ તેઓ નિરાશ થશે.

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલના બે દિવસ પહેલા 9 જૂને, ICC હોલ ઓફ ફેમ યાદીમાં સાત નવા ખેલાડીઓના નામ ઉમેરવા જઈ રહ્યું છે. જેમાં 5 પુરુષ અને 2 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે

ICC હોલ ઓફ ફેમમાં સામેલ થવા માટે ખેલાડીઓની પસંદગી ICC હોલ ઓફ ફેમર્સ પેનલ, વરિષ્ઠ અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે. યાદીમાં સમાવિષ્ટ ખેલાડીઓની સિદ્ધિઓને માન્યતા આપવા માટે ICC કેપ સ્મૃતિચિહ્ન તરીકે આપવામાં આવે છે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિના પાંચ વર્ષ પૂર્ણ થયા પછી જ કોઈ ખેલાડીનું નામ ICC હોલ ઓફ ફેમ યાદીમાં સામેલ થાય છે. ધોનીએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ જુલાઈ 2019 માં ન્યુઝીલેન્ડ સામે ICC વર્લ્ડ કપ સેમિફાઇનલમાં રમી હતી. ત્યારબાદ, તેણે 15 ઓગસ્ટ, 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.

આ વખતે ICC હોલ ઓફ ફેમ યાદીમાં સામેલ થનારા ખેલાડીઓમાં ભલે એમએસ ધોનીનું નામ ન હોય, પણ આવતા વર્ષે તેમને આ સન્માન ચોક્કસ મળશે. 15 ઓગસ્ટ, 2025 પછી ધોની આ સન્માન માટે લાયક બનશે. ચાહકોને તેમના મનપસંદ ખેલાડીના તાજમાં બીજી સિદ્ધિ ઉમેરવા માટે વધુ એક વર્ષ રાહ જોવી પડશે. 

 એમએસ ધોનીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખૂબ જ પ્રભાવશાળી રહી છે. તેમની કેપ્ટનશીપ હેઠળ, તેમણે ટીમ ઈન્ડિયાને ત્રણેય આઈસીસી ટાઇટલ - ટી20 વર્લ્ડ કપ 2007, ઓડીઆઈ વર્લ્ડ કપ 2011 અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 - જીત અપાવી. તે ત્રણેય ટાઇટલ જીતનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બન્યો

પોતાની શાનદાર કેપ્ટનશીપની સાથે, એમએસ ધોનીએ ઘણા રન પણ બનાવ્યા. ધોનીએ 350 વનડેમાં 10,773 રન, 98 ટી20માં 1617 અને 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા. તેના નામે 16 આંતરરાષ્ટ્રીય સદી અને 107 અડધી સદી છે.

બિશન સિંહ બેદી, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, કપિલ દેવ, વિરેન્દ્ર સેહવાગ, વિનુ માંકડ, ડાયના એડુલજી અને નીતુ ડેવિડને આ સન્માન મળ્યું છે.

 

(6:41 PM IST)