<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

અકલ્પનીય! T20 ક્રિકેટમાં ભારતીય બેટ્સમેને ફટકારી હતી ત્રેવડી સદી : 39 છગ્ગા અને 14 ચોગ્ગા!

મોહિતની આ અદ્ભુત સિદ્ધિ ભલે મોટાભાગના લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ ગઈ હોય, પરંતુ T20 ક્રિકેટના ઇતિહાસમાં તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયું છે.

26 જૂન 2025:  ક્રિકેટને અનિશ્ચિતતાઓનો ખેલ કહેવાય છે, અને ક્યારેક એવા રેકોર્ડ બને છે જે સૌને ચોંકાવી દે છે. T20 ક્રિકેટમાં કોઈ બેટ્સમેન ત્રિપલ સેન્ચ્યુરી (૩૦૦ રન) ફટકારે, તે વાત ભલે મજાક લાગે, પરંતુ ભારતના એક બેટ્સમેને આ અશક્યને શક્ય બનાવ્યું છે!

દિલ્હીના વિકેટકીપર-બેટ્સમેન મોહિત અહલાવત (Mohit Ahlawat) એ ૭ ફેબ્રુ૦૧૭ ના રોજ દિલ્હીમાં રમાયેલી એક લોકલ T20 ટુર્નામેન્ટમાં ઇતિહાસ રચ્યો હતો. માવી ઇલેવન અને ફ્રેન્ડ્સ ઇલેવન વચ્ચે રમાયેલી આ મેચમાં, મોહિતે માવી ઇલેવન તરફથી રમતા ફ્રેન્ડ્સ ઇલેવનના બોલરો પર આક્રમક પ્રહાર કર્યા.

બોલરોએ માંગી 'રહેમ કી ભીખ'!
મોહિત અહલાવતે માત્ર ૭૨ બોલમાં ૩૦૦ રન ફટકારીને T20 ક્રિકેટમાં ત્રિપલ સેન્ચ્યુરીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો! તેની આ તાબડતોબ ઇનિંગ્સમાં ૩૯ છગ્ગા અને ૧૪ ચોગ્ગા શામેલ હતા. મોહિતના રોદ્ર સ્વરૂપને જોઈને વિરોધી ટીમના બોલરો 'રહેમ કી ભીખ' માંગતા હોય તેવું લાગી રહ્યું હતું.

આશ્ચર્યની વાત એ છે કે, મોહિતે તેના કુલ ૩૦૦ રનમાંથી ૨૩૪ રન તો માત્ર છગ્ગા ફટકારીને બનાવ્યા હતા, જ્યારે ૫૬ રન ચોગ્ગા દ્વારા મેળવ્યા હતા. મોહિતની આ તોફાની ઇનિંગ્સને કારણે માવી ઇલેવને ૨૦ ઓવરમાં ૪૧૬ રનનો વિશાળ સ્કોર ખડક્યો, જેના જવાબમાં ફ્રેન્ડ્સ ઇલેવનને ૨૧૬ રનથી હારનો સામનો કરવો પડ્યો.
ગુમનામીમાં ખોવાઈ ગયેલો હીરો?
મોહિત અહલાવતે ૨૧ વર્ષની ઉંમરે જ આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. તે દિલ્હી માટે રણજી મેચ પણ રમી ચૂક્યો છે, અને તેને ઋષભ પંત (Rishabh Pant) પહેલા રણજી રમવાની તક મળી હતી. લાલ બહાદુર શાસ્ત્રી ક્રિકેટ એકેડમીમાંથી તાલીમ પામેલા મોહિત, જ્યાં ગૌતમ ગંભીર (Gautam Gambhir) અને અમિત મિશ્રા (Amit Mishra) જેવા દિગ્ગજો પણ શીખ્યા હતા.

આજે, ૨૯ વર્ષથી વધુ ઉંમરના મોહિત અહલાવત દુર્ભાગ્યે ક્રિકેટની દુનિયામાં ગુમનામીના અંધારામાં ખોવાઈ ગયા છે. જોકે, તેમણે સ્થાનિક ક્રિકેટમાં પોતાનો છેલ્લો મેચ સર્વિસીસ માટે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ઓડિશા સામે રણજી ટ્રોફી દરમિયાન રમ્યો હતો, જેમાં તે માત્ર ૧ રન બનાવીને આઉટ થયા હતા.

મોહિતના પિતા પવન અહલાવત પણ ક્રિકેટ રમ્યા હતા, પરંતુ આર્થિક સંકડામણને કારણે તેમને ક્રિકેટ છોડીને ટેમ્પો ચલાવવો પડ્યો હતો. મોહિતની આ અદ્ભુત સિદ્ધિ ભલે મોટાભાગના લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ ગઈ હોય, પરંતુ T20 ક્રિકેટના ઇતિહાસમાં તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયું છે.

 

(9:00 PM IST)