News of Tuesday, 1st July 2025
વૈભવ સૂર્યવંશી ચમક્યો પણ તેના પર ભારે પડી ગયો દિગ્ગજ અંગ્રેજી ક્રિકેટરનો દીકરો, અંતિમ ઓવરમાં ઈંગ્લેન્ડની જીત
અન્ડર-૧૯ યુથ વન-ડેમાં ભારતનો ૧ વિકેટે પરાજયઃ એન્ડ્રુ ફિલન્ટોફના દીકરા રોકીની શાનદાર ઈનિંગ

નવી દિલ્હીઃ હાલ ભારતની એક નહીં ત્રણ-ત્રણ ટીમ ઈંગ્લેન્ડમાં રમી રહી છે, જેમાં પુરુષો અને મહિલા ટીમની સાથે અંડર-૧૯ ટીમ પણ ત્યાં તરખાટ મચાવી રહી છે. ભારતીય અંડર-૧૯ ટીમ અને ઈંગ્લેન્ડની અંડર-૧૯ ટીમ વચ્ચે રમાયેલી બીજી યુથ વનડેમાં ભારતીય ટીમને ૧ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ભારતે ૨૯૦ રન બનાવ્યા હતા, જેનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડની ટીમે ૪૯.૩ ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરીને જીત મેળવી લીધી હતી.
ભારત માટે ઓપનિંગ કરવા આવેલા કેપ્ટન આયુષ મહાત્રે ૦ રન પર આઉટ થઈ ગયો હતો. પરંતુ આ પછી, વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, રાહુલ કુમાર અને કનિષ્ક ચૌહાણ જેવા ખેલાડીઓએ ધમાલ મચાવી અને સ્કોર ૨૯૦ રન સુધી પહોંચાડ્યો હતો. જેમાં વૈભવે ૪૫, વિહાને ૪૯, રાહુલે ૪૯ અને કનિષ્કે ૪૫ રન બનાવ્યા હતા અને આમ ભારતે ૨૯૦ રન બનાવ્યા અને ૨૯૧ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ઇંગ્લેન્ડ તરફથી ઓપનિંગ કરવા આવેલા બેન ડોકિન્સ ૭ અને આઇઝેક મોહમ્મદ ૧૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ત્રીજા નંબર પર આવેલા બેન મેય્સ ૨૭ રન બનાવી શકયો હતો. આ પછી, એન્ડ્રુ ફિ્લન્ટોફના દીકરા રોકી ફિ્લન્ટોફે ૬૮ બોલમાં ૩૯ રન બનાવ્યા હતા. પાંચમા નંબર પર આવેલા થોમસ ર્યુએ સદી ફટકારી અને ૮૯ બોલમાં ૧૩૧ રન બનાવ્યા હતા. તે ૪૦મી ઓવરમાં આઉટ થયો હતો. ત્યાં સુધીમાં ઇંગ્લેન્ડે ૨૩૦થી વધુ રન બનાવી લીધા હતા.
છેલ્લી ૨ ઓવરમાં ઇંગ્લેન્ડને જીતવા માટે ૧૨ રનની જરૂર હતી અને ભારતને જીતવા માટે ફક્ત ૧ વિકેટ લેવાની હતી. પરંતુ અહીં નસીબે ઇંગ્લેન્ડને સાથ આપ્યો હતો. ૪૮મી ઓવરમાં તેના બેટ્સમેન ફ્રેન્ચ અને મોર્ગને ૫ રન બનાવ્યા હતા. આ પછી, ૫૦મી ઓવરમાં બંનેએ ૩ બોલમાં ૭ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત માટે અંબરીશે ૪ વિકેટ લીધી હતી. આ ઉપરાંત, યુધજીત ગુહા, હેનિલ પટેલે ૨-૨ વિકેટ લીધી હતી.(
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
