<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

મેચના એકદમ પહેલા ઇંગ્લેન્ડે બદલી પીચની સ્થિતિ અને દિશા:અચાનક નિર્ણયથી ફેન્સને પણ આશ્ચર્યમાં

લોર્ડ્સની પિચ ખૂબ લીલી અને ઘાસથી ભરેલી દેખાતી હતી, જે પેસ બોલરો માટે અનુકૂળ માનવામાં આવી રહી હતી. જો કે, હવે મેચ પહેલાં આ પિચ પરથી મોટા પ્રમાણમાં ઘાસ દૂર કરી દેવામાં આવ્યો

મુંબઈ :આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ લંડનના લોર્ડ્સમાં શરૂ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાની પસંદગી કરી છે, જ્યારે બંને ટીમોએ પોતાના પ્લેઈંગ 11માં એક-એક ફેરફાર કર્યો છે. આ મેચની ખાસ ચર્ચા પિચને લઈને થઈ રહી છે. જ્યારે ટીમ ઇન્ડિયા લોર્ડ્સ પહોંચી હતી, ત્યારે પિચ ખૂબ લીલી અને પેસ બોલર્સ માટે અનુકૂળ દેખાઈ રહી હતી. પરંતુ મેચના એકદમ પહેલા પીચની સ્થિતિ અને દિશા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. લોર્ડ્સની પિચની લેટેસ્ટ તસ્વીર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે. ઇંગ્લેન્ડ દ્વારા મેચ પહેલાં અચાનક લેવાયેલો આ નિર્ણય ફેન્સને પણ આશ્ચર્યમાં મૂકી રહ્યો છે.

મેચના માત્ર બે દિવસ પહેલા સુધી લોર્ડ્સની પિચ ખૂબ લીલી અને ઘાસથી ભરેલી દેખાતી હતી, જે પેસ બોલરો માટે અનુકૂળ માનવામાં આવી રહી હતી. જો કે, હવે મેચ પહેલાં આ પિચ પરથી મોટા પ્રમાણમાં ઘાસ દૂર કરી દેવામાં આવ્યો છે. નવી પિચ જોઈને એવું લાગી રહ્યું છે કે અહીં ફાસ્ટ બોલરોની સાથે સ્પિન બોલરોને પણ મદદ મળવાની શક્યતા છે. ઇંગ્લેન્ડ દ્વારા જાહેર કરાયેલ પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ તો એ પણ સ્પષ્ટ થાય છે કે પિચ ફક્ત ફાસ્ટ બોલિંગ માટે બનાવાઈ નથી. ઈંગ્લેન્ડે સ્પિનર તરીકે શોએબ બશીરને પણ પ્લેઈંગ 11માં સામેલ કર્યો છે.

લોર્ડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાએ પોતાના પ્લેઈંગ ઈલેવનમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ પેસ બૉલર જસપ્રીત બુમરાહને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. બુમરાહની વાપસીથી ભારતીય બોલિંગ લાઇનઅપ મજબૂત બની છે.

જણાવી દઈએ કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ લોર્ડ્સમાં રમાઈ હતી, જ્યાં પિચ પર ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની તે મેચમાં કુલ 35માંથી 30 વિકેટ ફાસ્ટ બોલરોએ ઝડપી હતી.

લોર્ડ્સ ટેસ્ટ માટે બંને ટીમોની પ્લેઈંગ 11

ઇંગ્લેન્ડ: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, શોએબ બશીર.

ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

(7:38 PM IST)