News of Tuesday, 15th July 2025
વેસ્ટઈન્ડિઝની આખી ટીમ માત્ર ૨૭ રનમાં ખખડી ગઈઃ ટેસ્ટના ઈતિહાસમાં બીજો સૌથી ઓછો સ્કોર
ઓસ્ટ્રેલીયાએ ફ્રેન્ક વોરેલ ટ્રોફી ૩-૦થી કબ્જે કરીઃ સ્ટાર્કનો તરખાટ ૬ વિકેટ ખેરવી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ જમૈકામાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને ૧૭૬ રને હરાવ્યું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ફ્રેન્ક વોરેલ ટ્રોફીમાં વેસ્ટ ઈન્ડિઝને ૩-૦થી ક્લીન સ્વીપ કર્યું. ઓસ્ટ્રેલિયાના બોલર મિશેલ સ્ટાર્કે ૭.૩ ઓવરમાં ૯ રન આપીને ૪ મેડન્સ સાથે ૬ વિકેટ લીધી અને સ્કોટ બોલેન્ડની હેટ્રિકથી ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને ફક્ત ૨૭ રનમાં ઓલઆઉટ કરી દીધું, જે ટેસ્ટ ઇતિહાસનો બીજો સૌથી ઓછો સ્કોર છે.
ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં ૨૨૫ રન બનાવ્યા હતા, જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ પહેલી ઇનિંગમાં ૧૪૩ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમને પહેલી ઇનિંગના આધારે ૮૨ રનની લીડ મળી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાનો બીજી ઈનિંગમાં ૧૨૧ રનમાં ઓલઆઉટ થઈ ગયો. યજમાન ટીમને જીતવા માટે ૨૦૪ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ માત્ર ૨૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે વેસ્ટ ઈન્ડિઝને ૨૭ રન સુધી રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની ૧૦૦મી ટેસ્ટ મેચમાં બોલથી તબાહી મચાવી હતી અને વેસ્ટ ઈન્ડિઝના ૬ બેટરની વિકેટ લીધી હતી. સ્ટાર્કે ફક્ત ૯ રન આપીને આ સિદ્ધિ મેળવી હતી. તેમણે ૧૫ બોલમાં ૫ બેટરોને પેવેલિયન મોકલ્યા હતા. ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગમાં સૌથી ઝડપી પાંચ વિકેટ લેવાનો આ રેકોર્ડ છે.
વર્ષ ૧૯૫૫માં ઈંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડ ૨૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વર્ષ ૨૦૨૫માં ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડીઝ ૨૭ રનમાં રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વર્ષ ૧૮૯૬માં ઈંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકા ૩૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વર્ષ ૧૯૨૪માં ઈંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકા ૩૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
