<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ઇંગ્લેન્ડમાં અંડર-19 ની બીજી યુથ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં વૈભવ સૂર્યવંશી નિષ્ફળ : લાંબા-લાંબા છગ્ગા મારવાની આદત હવે તેના માટે મુશ્કેલીનું કારણ બની

સૂર્યવંશીએ આવતાની સાથે જ એક ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યો પરંતુ ત્યારબાદ છગ્ગો મારવાના ચક્કરમાં જ તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી : બોલ બેટ પર બરાબર લાગ્યો નહીં અને ફાઇન લેગ બાઉન્ડ્રી પર એલેક્સ ફ્રેન્ચે કેચ પકડી લીધો.

નવી દિલ્હી તા.૨૩

 ઇંગ્લેન્ડમાં એસેક્સના મેદાન પર અંડર-19 ની બીજી યુથ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં વૈભવ સૂર્યવંશી નિષ્ફળ રહ્યો. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને લાંબા-લાંબા છગ્ગા મારવાની આદત છે, પરંતુ તેની આ જ આદત હવે તેના માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.

વૈભવ સૂર્યવંશીએ પોતાની ઇનિંગ્સમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો, તેનો સ્ટ્રાઈક રેટ 140થી વધુ રહ્યો. સૂર્યવંશી પોતાની જ શૈલીમાં રમ્યો પરંતુ છગ્ગા મારવાની તેની આદત જ તેને લઈ ડૂબી. આ મેચમાં સૂર્યવંશી શાનદાર લયમાં દેખાઈ રહ્યા હતા, બોલ તેમના બેટના મધ્યભાગમાં આવી રહ્યો હતો પરંતુ તે પછી અચાનક તે આઉટ થઈ ગયો.

છગ્ગો મારવાના ચક્કરમાં વિકેટ ગુમાવી

સૂર્યવંશીએ આવતાની સાથે જ એક ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યો પરંતુ ત્યારબાદ છગ્ગો મારવાના ચક્કરમાં જ તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. ભારતીય ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં આ ખેલાડીએ એલેક્સ ગ્રીનની શોર્ટ બોલ પર સ્ક્વેર કટ રમીને છગ્ગો ફટકાર્યો. આ પછી ગ્રીને ફરી એકવાર શોર્ટ બોલ ફેંક્યો અને આ વખતે સૂર્યવંશીએ તે બોલને હુક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટ પર બરાબર લાગ્યો નહીં અને ફાઇન લેગ બાઉન્ડ્રી પર એલેક્સ ફ્રેન્ચે કેચ પકડી લીધો.

વૈભવ સૂર્યવંશીનો ઈંગ્લેન્ડ પ્રવાસ

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ પ્રવાસ પર અત્યાર સુધીમાં 32 છગ્ગા ફટકારી ચૂક્યો છે. યુથ વનડે સિરીઝમાં તેણે 29 છગ્ગા લગાવ્યા હતા અને હવે આ ખેલાડી યુથ ટેસ્ટ શ્રેણીની ત્રણ ઇનિંગ્સમાં 3 છગ્ગા મારી ચૂક્યો છે. વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધીમાં ત્રણ ઇનિંગ્સમાં માત્ર 90 રન બનાવ્યા છે.

(4:30 PM IST)