તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 23rd July 2025
છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ ભાવુક થઈ ગયા આન્દ્રે રસે : કહ્યું - આગળ વધવાનો સમય આવી ગયો છે
૮૬ ટી-૨૦ મેચોમાં બનાવ્યા હજારથી વધુ રન, ઝડપી 60થી વધુ વિકેટ: રસલે પોતાની કારકિર્દીમાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમી

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝના પાવર હિટર આન્દ્રે રસેલે બુધવારે ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચમાં ધમાકેદાર ઇનિંગ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. જોકે, તેની ટીમને સબીના પાર્ક ખાતે આઠ વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આન્દ્રે રસેલે T-20 શ્રેણી પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની શ્રેણીની પહેલી બે મેચ તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ હતી. આન્દ્રે રસેલ પોતાના વતનમાં વિદાય મેચ રમવા માંગતો હતો. આન્દ્રે રસેલ ઓસ્ટ્રેલિયા સામેની બીજી T-20 મેચમાં બેટિંગ કરવા ઉતર્યો હતો જ્યારે ટીમ 98 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી ચૂકી હતી. તેણે 15 બોલની ઇનિંગમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા.37 વર્ષીય આન્દ્રે રસેલે ચાહકોનો તેમના સમર્થન બદલ આભાર માન્યો અને સ્વીકાર્યું કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. ૨૦૧૨ અને ૨૦૧૬માં ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહેલા આન્દ્રે રસેલે કહ્યું, "હું આ માટે સબીના પાર્કના લોકો અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડનો આભાર માનવા માંગુ છું.ઘરઆંગણાના દર્શકો સામે રમવું ખૂબ જ આનંદદાયક હતું. પરિણામ અમારા પક્ષમાં નહોતું આવ્યું, પરંતુ હું આટલી બધી મેચો રમીને ખુશ છું અને ભવિષ્ય માટે ટીમને શુભકામનાઓ પાઠવું છું. તમારા બધાના સમર્થન બદલ આભાર." તેમણે કહ્યું, "મને યાદ છે કે અમે બે વર્લ્ડ કપ જીત્યા હતા, પરંતુ એવું લાગે છે કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. અમારી ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે. રોમારિયો શેફર્ડ, શેરફેન રૂધરફોર્ડ, અલ્ઝારી જોસેફ અને જેસન હોલ્ડર જેવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. સબીના પાર્કમાં મારી કારકિર્દીનો અંત લાવવો અદ્ભુત છે. પરિણામ અમારા પક્ષમાં નહોતું, પરંતુ આ ક્રિકેટની રમત છે. તમે અમને ખૂબ ટેકો આપ્યો છે અને ભવિષ્યમાં પણ આવું કરતા રહેશો." જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો આ ઓલરાઉન્ડર છેલ્લી વખત મરૂન જર્સીમાં મેદાનમાં ઉતર્યો, ત્યારે તેને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું. આન્દ્રે રસેલે ૮૬ ટી-૨૦ મેચોમાં ૧,૧૨૨ રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેમના નામે ૬૧ વિકેટ છે. આન્દ્રે રસેલે ૫૬ વનડે મેચોમાં ૧,૦૩૪ રન બનાવ્યા અને ૭૦ વિકેટ લીધી. રસેલે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં માત્ર એક જ મેચ રમી હતી.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
