News of Wednesday, 23rd July 2025
માન્ચેસ્ટર ટેસ્ટમાં કેએલ રાહુલે એક મોટી સિદ્ધિ હાંસલ કરી : એવું કરનાર ભારતનો પાંચમો બેટ્સમેન બન્યો
સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સુનીલ ગાવસ્કર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટ્સમેન જ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે.

માન્ચેસ્ટરના ઐતિહાસિક ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય બેટ્સમેન કેએલ રાહુલે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાહુલે ઇંગ્લેન્ડની ધરતી પર પોતાના 1000 ટેસ્ટ રન પૂરા કર્યા છે. તે આ ખાસ સિદ્ધિ હાંસલ કરનાર ભારતનો પાંચમો બેટ્સમેન બન્યો છે. તેની પહેલા ફક્ત સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સુનીલ ગાવસ્કર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટ્સમેન જ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે.
ઇંગ્લેન્ડની પીચો સીમ અને સ્વિંગ બોલરો માટે જાણીતી છે, ભારતીય બેટ્સમેન માટે ત્યાં રહીને રન બનાવવા હંમેશા પડકારજનક રહ્યા છે. આવી સ્થિતિમાં રાહુલનું પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
કેએલ રાહુલ હવે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં 1000 થી વધુ રન બનાવનારા ભારતીય દિગ્ગજોની યાદીમાં જોડાયા છે.
સચિન તેંડુલકર: 1575 રન
રાહુલ દ્રવિડ: 1376 રન
સુનિલ ગાવસ્કર: 1152 રન
વિરાટ કોહલી: 1096 રન
કેએલ રાહુલ: 1000+ રન
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાહુલે વિદેશી ધરતી પર પોતાને ભારતના વિશ્વસનીય બેટ્સમેન તરીકે સ્થાપિત કર્યા છે. તેણે ઇંગ્લેન્ડના લોર્ડ્સ, ઓવલ, હેડિંગ્લી અને હવે માન્ચેસ્ટરમાં ઉપયોગી ઇનિંગ્સ રમી છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ આજે (23 જુલાઈ) માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પર શરૂ થઈ છે. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. અંશુલ કંબોજે પોતાનું ડેબ્યૂ કર્યું. ટીમમાં 3 ફેરફારો કરવામાં આવ્યા છે. કરુણના સ્થાને સાઈ સુદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત આકાશ દીપ અને નીતીશ રેડ્ડીની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં કંબોજ અને શાર્દુલ ઠાકુરને પણ તક મળી છે.
માન્ચેસ્ટર માટે ભારતના પ્લેઈંગ 11: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અંશુલ કંબોજ
માન્ચેસ્ટર માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), લિયામ ડોસન, ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સ, જોફ્રા આર્ચર.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
