તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
ઓવલમાં પાંચ ટેસ્ટની શ્રેણીની છેલ્લી મેચ : ભારત-ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ ડ્રો થાય તો કોને મળશે ટ્રોફી?: જાણો શું છે નિયમો
જો ભારતીય ટીમ પાંચમી ટેસ્ટ મેચ જીતી જાય તો સિરીઝ ડ્રો થાય એવામાં એન્ડરસન તેંડુલકર ટ્રોફી કોના ફાળે જશે ?

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસ પર છે. પાંચ ટેસ્ટની સિરીઝની છેલ્લી મેચ 31 જુલાઈથી કેનિંગ્ટન ઓવલમાં રમાશે. છેલ્લી ટેસ્ટ મેચ માટે બંને ટીમ કેનિંગ્ટન પહોંચીને પ્રેક્ટિસ શરૂ કરી ચૂકી છે. ભારતીય ટીમ આ ટેસ્ટમાં જીતીને સિરીઝને બરાબરી પર પૂરી કરવા જ્યારે ઇંગ્લેન્ડ આ જીત સાથે સિરીઝ પોતાના નામે કરવા મેદાને ઉતરશે. જો ભારતીય ટીમ પાંચમી ટેસ્ટ મેચ જીતી જાય તો સિરીઝ ડ્રો થાય એવામાં એન્ડરસન તેંડુલકર ટ્રોફી કોના ફાળે જશે એ મહત્વનો પ્રશ્ન છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ છેલ્લા દિવસ સુધી ચાલી. આખી સિરીઝ ખૂબ જ રોમાંચક રહી. હેડિંગ્લેમાં રમાયેલી સિરીઝની પહેલી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે જીતી જ્યારે ભારતે વાપસી કરતા બીજી ટેસ્ટમાં બાજી મારી હતી. ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટ જીતીને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી હતી.
ત્યાર બાદ ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે જીત મેળવીને સિરીઝને 2-1થી લીડ મેળવી. ચોથી ટેસ્ટ ડ્રો રહી, ભારત માટે છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે, જો અંતિમ ટેસ્ટ મેચ ડ્રો થાય તો ઇંગ્લેન્ડ સિરીઝ જીતી લેશે.
નિયમાનુસાર જ્યારે કોઈ ટેસ્ટ સિરીઝ બે ટીમો વચ્ચે ડ્રો થાય છે તો ટ્રોફી એ ટીમ પાસે જ રહે છે જેણે ગત વખતે ટ્રોફી જીતી હોય. જેમ કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનું નામ પહેલા પટૌડી ટ્રોફી હતું. ભારત અને ઇંગ્લેન્ડની ટીમો ગત વખતે 2021-22માં પટૌડી ટ્રોફી માટે મેદાને ઉતરી હતી. ત્યારે સિરીઝ ડ્રો થઈ હતી. પરંતુ તે પહેલા 2018માં જ્યારે બંને ટીમો વચ્ચે સિરીઝ રમાઈ ત્યારે પરિણામ ઇંગ્લેન્ડ તરફી હતું, ઇંગ્લેન્ડે 4-1થી સિરીઝ જીતી હતી. ત્યારથી આ ટ્રોફી ઇંગ્લેન્ડ પાસે જ છે. જો વર્તમાન સિરીઝ ડ્રો થઈ તો ટ્રોફી ઇંગ્લેન્ડ પાસે જ રહેશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જો કેનિંગ્ટન ટેસ્ટ ડ્રો થાય તો ફરી ભારત સિરીઝ હારી જશે. કેમ કે ઇંગ્લેન્ડ પહેલા જ સિરીઝમાં ભારતથી ઉપર છે. ઇંગ્લેન્ડને જો કેનિંગ્ટનમાં જીત મળી તો તે 3-1થી સિરીઝ જીતી જશે. જો સિરીઝ 2-2થી ડ્રો થાય તો પણ ટ્રોફી ઇંગ્લેન્ડના કબજામાં જ રહેશે
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
