<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

આજે નિર્ણાયકઃ ઓવલ ટેસ્ટના નિર્ણાયક ચોથા દિવસે વરસાદ વેરી બનશે ?

આજે વરસાદની શકયતા ૪૦ થી પ૦ ટકાઃ ભારતને જીતવા ૯ વિકેટની જરૂર

લંડનઃ ઐતિહાસિક ઓવલ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ હવે રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. ભારતે ઇંગ્લેન્ડને જીત માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં, ઇંગ્લેન્ડની ટીમે પોતાની બીજી ઇનિંગમાં એક વિકેટ ગુમાવીને 50 રન બનાવી લીધા છે. તેમને જીતવા માટે હજુ 324 રનની જરૂર છે, જ્યારે તેમની 9 વિકેટ બાકી છે.

સિરીઝ અને મેચ બંનેની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાતા આ ટેસ્ટના ચોથા દિવસે ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર નથી. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, ચોથા દિવસે વરસાદ રમત બગાડી શકે છે, જેના કારણે મેચના પરિણામ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે.

AccuWeather ના રિપોર્ટ પ્રમાણે, ઓવલ ટેસ્ટના ચોથા દિવસે વરસાદ મેચની મજા બગાડી શકે છે. ચોથા દિવસે વરસાદની 40 થી 50 ટકા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં બપોરના સમયે વરસાદની સૌથી વધુ સંભાવના છે. આનો અર્થ એ થયો કે, દિવસભર વરસાદના ઝાપટાં અથવા વિરામ સાથે રમત ચાલુ-બંધ રહી શકે છે, જે ફેન્સ માટે નિરાશાજનક બની શકે છે. દિવસ દરમિયાન તાપમાન 18 થી 22 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે.

જો ભારતીય ટીમે સિરીઝને 2-2 ની બરાબરી પર સમાપ્ત કરવી હોય, તો ચોથા દિવસે ભારતીય બોલરોએ તરખાટ મચાવવો પડશે. સદભાગ્યે, ચોથા દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની સંપૂર્ણ શક્યતા છે, જે ઝડપી બોલરો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પ્રથમ ઇનિંગ્સમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. સિરાજે 4 વિકેટ પોતાના નામે કરી હતી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ 4 વિકેટ ઝડપી હતી.

બીજી ઇનિંગ્સમાં, ભારતીય ટીમે 396 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. આ ઇનિંગ્સમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી હતી. આકાશદીપે 66 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જ્યારે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે 53-53 રનનું યોગદાન આપ્યું હતું.

(4:42 PM IST)