<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

૧૨ સદીની સિધ્‍ધિ, ગિલનો અનોખો રેકોર્ડ, ૧૪ વર્ષ બાદ નાઈટવોચમેનની ફિફટી

ભારત-ઈંગ્‍લેન્‍ડ ટેસ્‍ટ સિરીઝમાં રેકોર્ડની હારમાળા : આ ટેસ્‍ટ સિરીઝમાં ભારતે કુલ ૧૨ સદી નોંધાવી, લોકેશ રાહુલ ૧૦૬૬ બોલ રમ્‍યો, ગિલ પાંચેય વખત ટોસ હાર્યો

નવી દિલ્‍હીઃ ભારત-ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે રમાયેલી પાંચમી ટેસ્‍ટ મેચમાં ભારતે ઇંગ્‍લેન્‍ડને છ રને પરાજય આપ્‍યો છે. આ સાથે બંને ટીમોએ કુલ પાંચ ટેસ્‍ટ મેચ સીરિઝમાંથી બે-બે મેચ જીતીને શ્રેણી સરભર કરી લીધી છે. ભારતે પ્રથમ ઇનિગમાં ૨૨૪ રન અને બીજી ઇનિગમાં ૩૯૬ રન નોંધાવ્‍યા હતા, જ્‍યારે ઇંગ્‍લેન્‍ડે પ્રથમ ઇનિગમાં ૨૪૭ રન અને બીજી ઇનિગમાં ૩૬૭ રન નોંધાવ્‍યા હતા. મેચમાં રેકોર્ડની વાત કરીએ તો આકાશ દીપ, શુભમન ગીલ, જો રૂટ સહિત અનેક ખેલાડીઓએ રેકોર્ડ નોંધાવ્‍યા છે. તો પાંચમી ટેસ્‍ટ મેચના તમામ રેકોર્ડ પર કરીએ એક નજર...

ભારતે ૯૩ વર્ષ બાદ

રચ્‍યો ઇતિહાસ

ભારતે ઓવલ ટેસ્‍ટ મેચ જીતીને ઇતિહાસ રચ્‍યો છે. ભારતીય ટીમે વિદેશી પ્રવાસ પર ૫ ટેસ્‍ટ મેચની શ્રેણી દરમિયાન પહેલીવાર પાંચમી ટેસ્‍ટ મેચ જીતીને કમાલ કર્યો છે. ભારતના ટેસ્‍ટ ક્રિકેટના ૯૩ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર આવી સિદ્ધિ હાંસલ થઈ છે.

ભારતનો ટેસ્‍ટ શ્રેણીમાં ૧૨મી સદીનો રેકોર્ડ

ભારતીય ઓપનર જયસ્‍વાલે ઇંગ્‍લેન્‍ડ સામેની શ્રેણીની પાંચમી અને આખરી ટેસ્‍ટની બીજી ઇનિગમાં સદી ફટકારી હતી અને આ સાથે ભારતે આગવો ઇતિહાસ રચી દીધો હતો. ભારતે તેના ટેસ્‍ટ ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક ટેસ્‍ટ શ્રેણીમાં ૧૨ સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. અગાઉ એક ટેસ્‍ટ શ્રેણીમાં સૌથી વઘુ ૧૧ સદીનો ભારતીય રેકોર્ડ હતો. જે ટીમ ઇન્‍ડિયાએ ૧૯૭૮-૭૯માં વેસ્‍ટ ઇન્‍ડિઝ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્‍ટમાં નોંધાવ્‍યો હતો. 

આકાશ દીપ ૧૪ વર્ષ બાદ અડધી સદી ફટકારનારો ભારતીય નાઇટવોચમેન

ભારતીય ફાસ્‍ટ બોલર આકાશ દીપે ઇંગ્‍લેન્‍ડ સામેની પાંચમી ઓવલ ટેસ્‍ટની બીજી ઇનિગમાં નાઇટવોચમેન તરીકે રમતાં અડધી સદી ફટકારી હતી. આ સાથે ૧૪ વર્ષ બાદ ટેસ્‍ટમાં ભારતીય નાઇટવોચમેનની સદી નોંધાઈ હતી. છેલ્‍લે આવી સિદ્ધિ વર્ષ ૨૦૧૧માં અમિત મિશ્રાએ ઇંગ્‍લેન્‍ડ સામે જ ૮૪ રન ફટકારીને નોંધાવી હતી.  આકાશ દીપ એક ટેસ્‍ટ શ્રેણીમાં ૧૦ વિકેટ ઝડપવાની સાથે અડધી સદી નોંધાવનારો ત્રીજો ભારતીય ઓલરાઉન્‍ડર બની ગયો છે.

લોકેશ રાહુલ શ્રેણીમાં ૧૦૬૬ બોલ રમ્‍યો

લોકેશ રાહુલ ઇંગ્‍લેન્‍ડ સામેની વર્તમાન શ્રેણીમાં ૧૦૬૬ બોલ રમ્‍યો છે. એક જ શ્રેણીમાં સૌથી વઘુ બોલ રમ્‍યો હોય તેવા ઓપનરમાં તે સુનીલ ગાવસ્‍કરની હરોળમાં આવી ગયો છે. ગાવસ્‍કર પાંચ શ્રેણીમાં ૧ હજારથી વઘુ બોલ રમ્‍યા છે જ્‍યારે ૨૦૧૪માં મુરલી વિજયે ઇંગ્‍લેન્‍ડ સામે આ સિદ્ધિ મેળવી હતી.

રૂટના ભારત સામે બે હજાર રન

જો રૂટે આજે ભારત સામે ટેસ્‍ટ ક્રિકેટમાં બે હજાર રન પૂરા કર્યા છે. એક જ ટીમ સામે બે હજાર રન પૂરા કરનારો તે માત્ર બીજો બેટ્‍સમેન છે. અગાઉ સર ડોનાલ્‍ડ બ્રેડમેને ઇંગ્‍લેન્‍ડ સામે ૨૩૫૪ રન નોંધાવ્‍યા હતા.

ભારત સામે ટેસ્‍ટમાં સૌથી ઝડપી ઓપનિગ ભાગીદારી

     ૭.૧૮ રનરેટ - આફ્રિદી-હમીદ - ૨૦૦૫

     ૭.૧૬ રનરેટ - ક્રોલે-ડકેટ - ૨૦૨૫

     ૬.૭૭ રનરેટ - દિલશાન-પર્ણાવિતાના - ૨૦૧૦

     ૬.૭૫ રનરેટ - ક્રોલે-ડકેટ - ૨૦૨૪

 

સિરાજની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦૦ વિકેટ

બુમરાહની ગેરહાજરીમાં મોહમ્‍મદ સિરાજે ફરી બખૂબી મોરચો સંભાળી લીધો હતો. વર્તમાન ટેસ્‍ટ શ્રેણીમાં સિરાજે પાંચ ઇનિગ્‍સમાં કુલ ૨૩ વિકેટ ઝડપી છે. સિરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦૦ વિકેટ પૂરી કરનારો ભારતનો ૧૫મો બોલર બની ગયો છે. ફાસ્‍ટ બોલર્સમાંથી કપિલદેવે સૌથી વઘુ ૬૮૭, ઝહિર ખાને ૬૧૦, જવાગલ શ્રીનાથે ૫૫૧, મોહમ્‍મદ શમીએ ૪૬૨ જ્‍યારે જસપ્રિત બુમરાહે ૪૫૭ સાથે સૌથી વઘુ વિકેટ ખેરવી છે.

 

ગિલનો અનોખો રેકોર્ડ, સતત પાંચ ટોસ હાર્યા

ઇંગ્‍લેન્‍ડ સામેની પાંચમી અને આખરી ટેસ્‍ટમાં પણ ભારતીય ટીમનો કેપ્‍ટન ગિલ ટોસ હારી ગયો હતો. આ સાથે ભારતીય ટીમ તમામ ફોર્મેટમાં કુલ મળીને ૧૫મો ટોસ ગુમાવ્‍યો હતો. જ્‍યારે કેપ્‍ટન તરીકેની પ્રથમ શ્રેણીમાં જ ગિલે સતત પાંચ ટોસ ગુમાવવાનો નાલેશીભર્યો રેકોર્ડ પણ સર્જ્‍યો હતો. પાંચ ટેસ્‍ટની શ્રેણીમાં કોઈ ટીમે સતત પાંચેય ટોસ ગુમાવ્‍યા હોય તેવી આ ૧૪મી ઘટના હતી. ૨૧મી સદીમાં અગાઉ આવી એકમાત્ર ઘટના ૨૦૧૮ના ભારતના ઇંગ્‍લેન્‍ડ પ્રવાસમાં જોવા મળી હતી.

કેપ્‍ટન ગિલે સિરિઝમાં ૭૫૪ રન સાથે ગાવસ્‍કરનો ૪૬ વર્ષ જુનો રેકોર્ડ તોડ્‍યો

ટીમ ઇન્‍ડિયાના કેપ્‍ટન શુભમન ગિલે ભારતના કેપ્‍ટન તરીકે દ્વિપક્ષીય ટેસ્‍ટ શ્રેણીમાં સૌથી વઘુ રન ફટકારવાનો ગાવસ્‍કરનો ૪૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્‍યો હતો. ગિલે ઇંગ્‍લેન્‍ડ સામેની ટેસ્‍ટ મેચમાં કુલ ૭૫૪ નોંધાવ્‍યા છે. તે ગાવસ્‍કરની આગળ નીકળી ગયો હતો. ભારતના યુવા કેપ્‍ટને આ ઉપરાંત વિદેશની ભૂમિ પર દ્વિપક્ષીય શ્રેણીમાં કેપ્‍ટન તરીકે સૌથી વઘુ રન ફટકારવાનો વિન્‍ડિઝના લેજન્‍ડ ગેરી સોબર્સનો ૫૯ વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાંખ્‍યો હતો. ભારતીય કેપ્‍ટન ગિલે ઇંગ્‍લેન્‍ડ સામેની શ્રેણીમાં જબરજસ્‍ત દેખાવ કર્યો છે. તેણે ૯ ઇનિગમાં ચાર સદી ફટકારી છે, જેમાં ૨૬૯ રનની ઇનિગ પણ સામેલ છે. તેણે શ્રેણીમાં ૭૫૪ રન ફટકારી દીધા છે. અગાઉ એક શ્રેણીમાં ટીમ ઇન્‍ડિયાના કેપ્‍ટન તરીકે સૌથી વઘુ રન ફટકારવાનો રેકોર્ડ ગાવસ્‍કરના નામે હતો. જેમણે ૧૯૭૮-૭૯માં વિન્‍ડિઝ સામેની શ્રેણીમાં ૭૩૨ રન ફટકાર્યા હતા.

ગિલે ગેરી સોબર્સનો પણ તોડ્‍યો રેકોર્ડ

આ અગાઉ ગિલે ઓવલ ટેસ્‍ટમાં પહેલો રન નોંધાવ્‍યો, તેની સાથે તેણે ગેરી સોબર્સનો રેકોર્ડ તોડી નાંખ્‍યો હતો. અત્‍યાર સુધી દ્વિપક્ષીય ટેસ્‍ટ શ્રેણીમાં વિદેશની ભૂમિ પર કેપ્‍ટન તરીકે શ્રેણીમાં સૌથી વઘુ રન ફટકારવાનો રેકોર્ડ વિન્‍ડિઝના ઘુરંધરના નામે હતો. જેમણે ૧૯૬૬માં ઇંગ્‍લેન્‍ડના પ્રવાસમાં જ ૭૨૨ રન નોંધાવ્‍યા હતા. ગિલે આ સાથે ઇંગ્‍લેન્‍ડની ભૂમિ પર સૌથી વઘુ રન ફટકારનારો કેપ્‍ટન પણ બની ગયો છે.

 

રૂટ અને બ્રૂક વચ્‍ચે ૧૯૫ રનની ભાગીદારી

રૂટ અને બ્રૂકની જોડીએ ઇંગ્‍લેન્‍ડને જીત તરફ અગ્રેસર કરતાં ૧૯૫ રનની ભાગીદારી કરી હતી. બ્રૂકે ૯૮ બોલમાં ૧૪ ચોગ્‍ગા  અને બે છગ્‍ગા સાથે ૧૧૧ રન ફટકાર્યા હતા. જ્‍યારે રૂટે ૧૫૨ બોલમાં ૧૨ ચોગ્‍ગા સાથે ૧૦૫ રન નોંધાવ્‍યા હતા. ઇંગ્‍લેન્‍ડ જીતની નજીક પહોંચી ગયું હતુ ત્‍યારે જ આકાશ દીપે બ્રૂક અને ત્‍યાર બાદ પ્રસિધ ક્રિશ્નાએ બેથેલ બાદ રૂટને આઉટ કરતાં બાજી પલ્‍ટી ગઈ હતી. ત્‍યારબાદ ટેસ્‍ટ મેચના પાંચમાં દિવસે ભારતે ઇંગ્‍લેન્‍ડને ૬ રને પરાજય આપી દીધો છે.

રૂટની રેકોર્ડ ૩૯મી ટેસ્‍ટ સદી

     રૂટે સૌથી વઘુ ટેસ્‍ટ સદી ફટકારવામાં સંગાકારા (૩૮ સદી)ને ઓવરટેક કરતાં ચોથું સ્‍થાન મેળવ્‍યું હતુ. હવે તેની આગળ તેંડુલકર (૫૧ સદી), કાલીસ (૪૫) અને પોન્‍ટિંગ (૪૧) જ છે.

     રૂટે ભારત સામે ૧૩મી ટેસ્‍ટ  સદી ફટકારી હતી. તે ભારત સામે સૌથી વઘુ  ટેસ્‍ટ સદી ફટકારનારો બેટ્‍સમેન છે. તે એક દેશ સામે સૌથી વઘુ ટેસ્‍ટ સદી ફટકારવામાં ગાવસ્‍કર (૧૩ સદી વિ. વિન્‍ડિઝ)ની બરોબરીએ આવી ગયો છે. આ યાદીમાં બ્રેડમેન (૧૯ ટેસ્‍ટ સદી, વિ. ઇંગ્‍લેન્‍ડ)  ટોચ પર છે.

     વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપમાં ૬૦૦૦ રન પૂરા કરનારો સૌપ્રથમ બેટ્‍સમેન.

     રૂટની ભારત સામે આ તમામ  ફોર્મેટમાં કુલ મળીને ૧૬મી સદી છે. તે તમામ ફોર્મેટમાં કુલ મળીને ભારત સામે સૌથી વઘુ સદી ફટકારવામાં સ્‍ટીવ સ્‍મિથની બરોબરીએ આવી ગયો છે.

બેટિગ લેજન્‍ડ ગાવસ્‍કરની કેપ્‍ટન ગિલને વિશેષ ભેટ

ભારતના બેટિગ લેજન્‍ડ સુનિલ ગાવસ્‍કરે ઇંગ્‍લેન્‍ડ સામેની ટેસ્‍ટ શ્રેણીમાં કારકિર્દીમાં પહેલીવાર કેપ્‍ટન્‍સી કરતાં શુબ્‍મન ગિલે ફટકારેલા ૭૫૪ રનની સિદ્ધિને બિરદાવી હતી. ગાવસ્‍કરે યુવા કેપ્‍ટન ગિલને એક ઓટોગ્રાફવાળી કેપ અને શર્ટ ભેટમાં આપ્‍યો હતો. ગિલે ભારતીય ટેસ્‍ટ કેપ્‍ટન તરીકે એક શ્રેણીમાં સૌથી વઘુ ૭૩૨ રનનો ગાવસ્‍કરનો રેકોર્ડ તોડ્‍યો હતો. જોકે એક ટેસ્‍ટ શ્રેણીમાં સૌથી વઘુ ૭૭૪ રનના ગાવસ્‍કરના રેકોર્ડથી તે વંચિત રહી ગયો હતો. અલબા, ગાવસ્‍કરે તેમની મહાનતા દર્શાવતા કહ્યું હતુ કે, મારા વિન્‍ડિઝ સામેના ૭૭૪ રન કરતાં ગિલે કેપ્‍ટન હોવા છતાં ફટકારેલા ૭૫૪ રન ચઢિયાતા કહેવાય. હું તે સમયે (૧૯૭૧)માં ટીમમાં સાવ નવોસવો હતો અને જો હું નિષ્‍ફળ જાત તો પણ કોઈ મારો હૂરિયો બોલાવવાનું નહતુ. જ્‍યારે કેપ્‍ટન તરીકેની જવાબદારી સાથે બેટિગમાં પણ શાનદાર દેખાવ કરતાં ૭૫૦થી વઘુ રન ફટકારવા એ ઘણી મોટી વાત કહેવાય. 

સિરાજે બ્રકનો કેચ ઝડપ્‍યો પણ પગ બાઉન્‍ડ્રીને સ્‍પર્શી ગયો

ઓવલની પાંચમી ટેસ્‍ટમાં ભારતની પાસે બ્રૂકને સસ્‍તામાં આઉટ કરવાની તક હતી. ઇંગ્‍લેન્‍ડની બીજી ઇનિગની ૩૫મી ઓવર પ્રસિધ ક્રિશ્નાએ નાંખી હતી અને તેના પહેલા જ બોલ પર ૧૯ રને રમતાં બ્રૂકે બોલને હવામાં ઊંચે ફટકાર્યો હતો. બોલ ફાઈન લેગ પર બાઉન્‍ડ્રીની નજીક પહોંચ્‍યો હતો અને ત્‍યાં સિરાજ ફિલ્‍ડિંગ ભરી રહ્યો હતો. સિરાજે કેચ તો ઝડપી લીધો પણ સંતુલન જાળવવાના પ્રયાસમાં તેનો પગ બાઉન્‍ડ્રીને સ્‍પર્શી ગયો હતો અને બ્રૂકને જીવતદાન સાથે છગ્‍ગો મળ્‍યો હતો. ૩૪મી ઓવરના અંતે ઇંગ્‍લેન્‍ડનો સ્‍કોર ૧૩૭/૩ હતો. જો આ તબક્કે વઘુ એક વિકેટ પડી હોત તો મેચનું પાસું ચોથા દિવસે જ પલટાઈ ગયું હોત. આખરે સિરાજે જ બ્રૂકનો કેચ ઝડપ્‍યો હતો, પણ ત્‍યારે તે ૧૧૧ રન કરીને આઉટ થયો હતો.

(10:37 AM IST)