<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ભારતની ટીમ ૧ મહિનો આરામ કરશેઃ હવે સપ્‍ટેમ્‍બરમાં એશિયા કપ

ઓક્‍ટોબરમાં ઘર આંગણે બે મેચની ટેસ્‍ટ સિરીઝ, બાદ ઓસ્‍ટ્રેલીયામાં ત્રણ વન-ડે મેચની શ્રેણી

નવી દિલ્‍હીઃ ભારતીય ટીમનો ઇંગ્‍લેન્‍ડ પ્રવાસ પૂરો થયો છે. શુભમન ગિલની ટીમે આ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું. ૫ મેચની ટેસ્‍ટ શ્રેણી ૨-૨થી બરાબર રહી હતી, પરંતુ દરેક મેચમાં ભારતનો દબદબો રહ્યો. જો નસીબે સાથ આપ્‍યો હોત તો પરિણામ ૪-૦થી આવી શક્‍યું હોત. ભારતીય ટીમ જૂનમાં ઇંગ્‍લેન્‍ડના પ્રવાસે ગઈ હતી. પહેલી ટેસ્‍ટ હાર્યા બાદ ટીમે બીજી જીતી હતી. ઇંગ્‍લેન્‍ડે ત્રીજી મેચ જીતી અને ચોથી ડ્રો રહી હતી. ભારતે છેલ્‍લા દિવસે ઓવલ મેદાન પર ૫મી ટેસ્‍ટ જીતી હતી.

ભારતીય ટીમ ઇંગ્‍લેન્‍ડમાં ટેસ્‍ટ શ્રેણી પછી લગભગ એક મહિના સુધી આરામ કરશે. ભારતની હવે ઓગસ્‍ટમાં કોઈ મેચ નથી. અગાઉ ટીમ બાંગ્‍લાદેશનો પ્રવાસ કરવાની હતી. ત્રણ મેચની ટી૨૦ શ્રેણી અને ત્રણ વન-ડે મેચ રમવાની હતી. પરંતુ ગયા મહિને જ બીસીસીઆઈએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે બાંગ્‍લાદેશનો પ્રવાસ મુલતવી રાખવામાં આવ્‍યો છે. હવે ભારત આવતા વર્ષે બાંગ્‍લાદેશનો પ્રવાસ કરશે.

ભારતીય ક્રિકેટ ટીમ હવે એશિયા કપ ૨૦૨૫માં મેદાન પર જોવા મળશે. આ ટુર્નામેન્‍ટ ૯ થી ૨૮ સપ્‍ટેમ્‍બર દરમિયાન ટી-૨૦ ફોર્મેટમાં આયોજિત થશે. ભારતીય ટીમે ૧૦ સપ્‍ટેમ્‍બરે યુએઈ સામે પોતાની પ્રથમ મેચ રમશે. આ પછી ટીમ ૧૪ સપ્‍ટેમ્‍બરે પાકિસ્‍તાન સામે ટકરાશે. ભારત ૧૯ સપ્‍ટેમ્‍બરે ઓમાન સામે ટકરાશે. આ પછી સુપર-૪ મેચ રમાશે. ત્‍યાં પણ ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે ટકરાવ શક્‍ય છે.

જો આપણે ટેસ્‍ટ ક્રિકેટની વાત કરીએ તો ભારતીય ટીમ ઓક્‍ટોબરમાં વેસ્‍ટ ઈન્‍ડિઝ સામે મેદાનમાં ઉતરશે. ભારત અને વેસ્‍ટ ઈન્‍ડિઝ વચ્‍ચે બે મેચની ટેસ્‍ટ શ્રેણી ૨ ઓક્‍ટોબરથી શરૂ થશે. મેચ અમદાવાદ અને દિલ્‍હીમાં રમાશે. આ પછી ભારત ૧૯ થી ૨૫ ઓક્‍ટોબર દરમિયાન ઓસ્‍ટ્રેલિયામાં ત્રણ વનડે રમશે. ત્‍યારબાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા મેદાન પર જોવા મળશે.

(3:58 PM IST)