તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 11th August 2025
5 વર્ષની આરિની લાહોટી બની ચેસની નવી કવીન: મેગ્નસ કાર્લસનને જોઈને શરૂ થયેલી સફર, હવે ભારતમાં સૌથી યુવા ટોચની રેટિંગવાળી ખેલાડી!
તેના પિતાનું સપનું છે કે આરિની ભારતની સૌથી યુવા ઈન્ટરનેશનલ માસ્ટર (IM) અને ગ્રાન્ડમાસ્ટર (GM) બને અને દેશનું નામ રોશન કરે.

દિલ્હીની માત્ર પાંચ વર્ષની બાળકી આરિની લાહોટીએ ચેસની દુનિયામાં ધૂમ મચાવી છે. 19 સપ્ટેમ્બર, 2019ના રોજ જન્મેલી આરીની આજે તેની ઉંમરના ગ્રૂપમાં ભારતની સર્વોચ્ચ રેટિંગવાળી ચેસ ખેલાડી બની ગઈ છે. 11 ઓગસ્ટ, 2025 સુધીમાં, તેનો FIDE (World Chess Federation) રેટિંગ 1551 છે, જે તેના સમવયસ્કોમાં સૌથી વધુ છે.
બે વર્ષની ઉંમરે ચેસ સાથે પરિચય
આરિનીના પિતા અને કોચ સુરેન્દ્ર લાહોટીએ જણાવ્યું કે, આરિનીએ જ્યારે માત્ર બે વર્ષની હતી, ત્યારે જ ચેસના પાઠ ભણવાનું શરૂ કરી દીધું હતું. તે સમયે મેગ્નસ કાર્લસન અને ઇયાન નેપોમનિયાચ્છી વચ્ચેની વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ ચાલી રહી હતી. ટીવી પર ચાલતી આ મેચ જોઈને આરિનીને ચેસના મહોરામાં રસ પડ્યો અને તેણે તેના પિતા પાસેથી દરેક મહોરાનું નામ અને ચાલ શીખી લીધી.
આરીનીની દિલચસ્પ વાત એ છે કે, તેને સફેદ મહોરાથી રમવું ગમે છે, કારણ કે તેને પહેલી ચાલ ચાલવાનો મોકો મળે છે.
ભવિષ્યના સપના અને સંતુલિત જીવન
નાની ઉંમરમાં જ આરિનીએ ઘણા મોટા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવાનું શરૂ કરી દીધું છે. તે અન્ડર-7, અન્ડર-9 અને અન્ડર-11 જેવી મોટી કેટેગરીમાં પણ રમે છે. હાર-જીતને મહત્વ આપવાને બદલે, તેના પિતા તેને શીખવા પર ભાર મૂકવાનું કહે છે.
આરિની માત્ર ચેસમાં જ હોશિયાર નથી, તે અભ્યાસ અને રમતગમત વચ્ચે પણ સંતુલન જાળવે છે. તેના પિતાના જણાવ્યા મુજબ, તે શાળા પછી બહાર રમવા જાય છે, અને તેની માતા તેને ભણવામાં મદદ કરે છે. આરિનીને કોયડાઓ ઉકેલવાનો પણ ખૂબ શોખ છે.
આજે ભારતમાં ડી. ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે, અને હમ્પી, હરિકા, પ્રજ્ઞાનાનંદ અને દિવ્યા દેશમુખ જેવા ખેલાડીઓ નવી પેઢીને પ્રેરણા આપી રહ્યા છે. આવામાં, આરિની લાહોટી આ નવી ચેસ ક્રાંતિનું સૌથી યુવા પ્રતિનિધિત્વ કરે છે. તેના પિતાનું સપનું છે કે આરિની ભારતની સૌથી યુવા ઈન્ટરનેશનલ માસ્ટર (IM) અને ગ્રાન્ડમાસ્ટર (GM) બને અને દેશનું નામ રોશન કરે.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
