News of Monday, 11th August 2025
17 કિલો વજન ઘટાડ્યા છતાં ટીમમાં સ્થાન ન મળ્યું, પણ સરફરાઝ ખાને આ લીગમાં ધૂમ મચાવી!
તેણે મુંબઈની પ્રખ્યાત કાંગા લીગમાં રમવાનું શરૂ કર્યું છે, જે ચોમાસા દરમિયાન રમાય છે. આ લીગ સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ક્રિકેટરોની પણ પ્રિય

ક્રિકેટની દુનિયામાં પોતાની બેટિંગથી ધૂમ મચાવનાર અને ઘરેલુ ક્રિકેટમાં રનનો ઢગલો કરનાર સરફરાઝ ખાન માટે ફરી એકવાર નિરાશાજનક સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો નથી, ભલે તેણે ફિટનેસ પર સખત મહેનત કરીને 17 કિલો વજન ઘટાડ્યું હોય.
જોકે, આ નિર્ણયથી સરફરાઝ હિંમત હાર્યો નથી. ભારતીય ટીમમાં સ્થાન ન મળ્યા બાદ, તેણે એક અનોખો રસ્તો અપનાવીને મુંબઈની પ્રખ્યાત કાંગા લીગમાં રમવાનું શરૂ કર્યું છે, જે ચોમાસા દરમિયાન રમાય છે. આ લીગ સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ક્રિકેટરોની પણ પ્રિય રહી છે.
કંગા લીગમાં સરફરાઝનો ધમાકો
કંગા લીગની પિચો ભેજવાળી અને બેટ્સમેનો માટે પડકારજનક હોય છે, પરંતુ સરફરાઝ માટે આ પડકાર કોઈ અવરોધ બન્યો નથી. તેણે ઇસ્લામ જીમખાના સામેની મેચમાં માત્ર 42 બોલમાં શાનદાર 61 રન બનાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા એટલી ઊંચી છે કે તે મેચ શરૂ થવાના અડધો કલાક પહેલા જ મેદાન પર પહોંચી ગયો હતો.
સરફરાઝે જણાવ્યું કે, "મેં મારા પિતા પાસેથી ઘણીવાર વાર્તાઓ સાંભળી છે કે કેવી રીતે સુનીલ ગાવસ્કર સર ઇંગ્લેન્ડથી પાછા ફર્યા પછી પણ કંગા લીગમાં રમવા આવતા હતા. તેથી આ લીગમાં રમવાનો મને ગર્વ છે."
ટીમ ઇન્ડિયામાં વાપસીની આશા
ગયા વર્ષે સરફરાઝે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને 6 મેચમાં 37.10ની સરેરાશથી 371 રન બનાવ્યા હતા, જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. ભલે તેને હાલમાં ટીમમાં સ્થાન ન મળ્યું હોય, પરંતુ આગામી વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણાની ટેસ્ટ સિરીઝમાં તેની વાપસીની શક્યતા છે.
સરફરાઝે અન્ય મુંબઈના ખેલાડીઓને પણ કંગા લીગમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે, જેથી તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં રમવાનો અનુભવ મેળવી શકે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
