તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
'લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં': એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવા પર હરભજન સિંહનો આક્રોશ
ભજ્જીએ કહ્યું - 'આપણા સૈનિકો ઘરે પાછા ફરતા નથી અને આપણે ક્રિકેટ રમવા જઈએ છીએ?' દેશ પહેલા આવે:: હરભજન સિંહના આ આકરા વલણે પાકિસ્તાન સામેની મેચો અંગે એક નવી ચર્ચા છેડી: પાકિસ્તાન એશિયા કપમાં યુએઈ સાથે ભારતના ગ્રુપમાં

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહે આગામી એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે રમવાને લઈને સખત વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતે પાકિસ્તાન સાથે કોઈ પણ ક્રિકેટ મેચ રમવી ન જોઈએ, કારણ કે દેશ અને સૈનિકોનું બલિદાન રમત કરતાં વધુ મહત્વપૂર્ણ છે.
હરભજન સિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, "આપણી સરકારનો પણ એ જ વલણ છે કે લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી. એવું ન થઈ શકે કે સરહદ પર તણાવ હોય અને આપણે ક્રિકેટ રમવા જઈએ."
તેમણે સરહદ પર શહીદ થતા સૈનિકોનું ઉદાહરણ આપતા કહ્યું કે, "મારા માટે, આપણા દેશનો સૈનિક જે સરહદ પર ઊભો છે, જેનો પરિવાર ક્યારેક તેને જોઈ પણ શકતો નથી. તેઓ શહીદ થાય છે, તેઓ ઘરે પાછા ફરી શકતા નથી. તેમનું આટલું મોટું બલિદાન આપણા બધા માટે ખૂબ મોટું છે. આવી સ્થિતિમાં, એક ક્રિકેટ મેચ ન રમવી એ ખૂબ જ નાની વાત છે."
હરભજન સિંહ પોતે પણ તાજેતરમાં સમાપ્ત થયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) નો ભાગ હતા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ તેમની ટીમ 'ઈન્ડિયા ચેમ્પિયન્સ'એ ગ્રુપ સ્ટેજ અને સેમિફાઇનલ બંનેમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે રમવાનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણયનું કારણ આપતા તેમણે કહ્યું હતું કે, "દેશ પહેલા આવે છે."
હરભજને મીડિયાને પણ વિનંતી કરી છે કે તેઓ પાકિસ્તાની ખેલાડીઓ અને તેમની પ્રતિક્રિયાઓને વધુ મહત્વ ન આપે અને તેમને ટીવી પર ન બતાવે. તેમણે કહ્યું કે, "આપણી જે પણ ઓળખ છે, તે આ દેશને કારણે છે. પછી ભલે તમે ખેલાડી હો, અભિનેતા હો કે બીજું કોઈ. દેશથી કોઈ મોટું નથી."
એશિયા કપ 2025માં ભારતને ઓમાન, યજમાન સંયુક્ત આરબ અમીરાત અને પાકિસ્તાન સાથે ગ્રુપ Aમાં મૂકવામાં આવ્યું છે. ભારતીય ટીમ, જે વર્તમાન ચેમ્પિયન છે, તેણે અત્યાર સુધીમાં 8 વખત આ ટાઈટલ જીત્યું છે, જે કોઈ પણ દેશ દ્વારા સૌથી વધુ છે. જોકે, હરભજન સિંહના આ આકરા વલણે પાકિસ્તાન સામેની મેચો અંગે એક નવી ચર્ચા છેડી છે
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
