<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

આર અશ્વિન ટીમ ઈન્ડિયાના ભાવિ કોચ બની શકે છેઃ ચેતેશ્વર પૂજારા

ગૌતમ ગંભીર પર ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઘણાં સવાલો ઉઠ્યા હતા પરંતુ સીરિઝ ડ્રો રહેતા મામલો થાળે પડ્યો છે

નવી દિલ્હી, તા.૧૭ :ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં ૨-૨થી ડ્રોએ તેમને નવું જીવન આપ્યું છે.

પ્રવાસ પહેલા ગંભીરના કોચિંગ પર ઘણાં સવાલો ઉઠી રહ્યા હતા. તેમને ટેસ્ટમાંથી દૂર કરવાની પણ ચર્ચા થઈ હતી. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ટીમના પ્રદર્શને ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો હતો. છેલ્લી મેચ જીત્યા બાદ ગૌતમ ગંભીર પણ જોરદાર ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ચેતેશ્વર પૂજારાએ કહ્યું હતું કે આર અશ્વિનને ટીમ ઈન્ડિયાના આગામી કોચ તરીકે જોઈ શકાય છે.

અનુભવી ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ તાજેતરમાં ભારતીય ક્રિકેટના ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી. રવિચંદ્રન અશ્વિનને આગામી વર્ષોમાં ભારતના કોચિંગ ભૂમિકા માટે સૌથી યોગ્ય ઉમેદવાર તરીકે વર્ણવવામાં આવ્યા હતા. અશ્વિને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેમની છેલ્લી મેચ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તે બીજી ટેસ્ટમાં રમ્યો અને ગાબા બ્રિસ્બેન ખાતે ત્રીજી ટેસ્ટ પછી સત્તાવાર રીતે નિવૃત્તિ લીધી હતી.

અશ્વિને ભારતના બીજા સૌથી સફળ બોલર તરીકે પોતાની કારકિર્દીનો અંત કર્યો છે. તમામ ફોર્મેટમાં ૭૬૫ વિકેટ સાથે અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ૫૩૭ વિકેટ સાથે નિવૃત્તિ લીધી હતી. અશ્વિન આ ફોર્મેટમાં ભારતનો બીજા ક્રમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. અનિલ કુંબલે ૬૧૯ વિકેટ સાથે આ યાદીમાં ટોચ પર છે.

ESPNcricinfo સાથેના એક સેશન દરમિયાન, પૂજારાને પૂછવામાં આવ્યું કે તે ભવિષ્યમાં ભારતના કોચ બનવા માટે કોને જોઈ શકાય છે. જેનો જવાબ આપતા તેણે તરત જ રવિચંદ્રન અશ્વિનનું નામ લીધું હતું. આ પસંદગી અશ્વિનની ક્રિકેટ પ્રત્યેની ઊંડી સમજ અને રમતની જટિલતાઓને સમજવાની ક્ષમતાને કારણે હોઈ શકે છે. ક્રિકેટ પ્રત્યેની તેની આવી સમજ તેને કોચિંગ ભૂમિકા માટે મજબૂત ઉમેદવાર બનાવે છે.

આ ઉપરાંત, પૂજારાએ વિરાટ કોહલીને વિશ્વ ક્રિકેટમાં લગભગ દરેક રેકોર્ડ તોડી શકે તેવા બેટ્સમેન તરીકે વર્ણવ્યો હતો. કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ઓસ્ટ્રેલિયામાં ૨૦૨૪-૨૫ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન નિરાશાજનક શ્રેણી (પાંચ ટેસ્ટમાં ફક્ત ૧૯૦ રન) પછી, તેણે આ નિર્ણય લીધો હતો.

(8:00 PM IST)