News of Wednesday, 27th August 2025
અમદાવાદમાં કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ: ભારતે જીત્યા ૩ સિલ્વર મેડલ, કોયલ બારે યુવા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો!
ખાસ વાત એ છે કે તેણે સિનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનાર સ્નેહા સોરેન કરતાં પણ વધુ વજન ઉઠાવ્યું, અને આ પ્રદર્શનથી તેણે યુવા અને જુનિયર બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા.

અમદાવાદ : અમદાવાદમાં ચાલી રહેલી કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મંગળવારે ભારતે ત્રણ સિલ્વર મેડલ જીત્યા, જ્યારે ૧૭ વર્ષીય યુવા વેઈટલિફ્ટર કોયલ બારે યુવા વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો.
કોયલ બારનો વર્લ્ડ રેકોર્ડ
યુવા ખેલાડી કોયલ બારે મહિલાઓની ૫૩ કિલો યુવા કેટેગરીમાં ઇતિહાસ રચ્યો. તેણે કુલ ૧૯૨ કિલોગ્રામ (૮૫ કિલો સ્નેચ + ૧૦૭ કિલો ક્લીન એન્ડ જર્ક) વજન ઉઠાવીને નવો વિશ્વ યુવા રેકોર્ડ બનાવ્યો. ખાસ વાત એ છે કે તેણે સિનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનાર સ્નેહા સોરેન કરતાં પણ વધુ વજન ઉઠાવ્યું, અને આ પ્રદર્શનથી તેણે યુવા અને જુનિયર બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા.
ભારતના ૩ સિલ્વર મેડલ વિજેતા
બિંદિયા રાની દેવી (મહિલા, ૫૮ કિલો): બિંદિયા રાનીએ કુલ ૨૦૬ કિલોગ્રામ (૯૧ કિલો સ્નેચ + ૧૧૫ કિલો ક્લીન એન્ડ જર્ક) વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો. જોકે, તે ગોલ્ડ મેડલથી ચૂકી ગઈ, જે ઓસ્ટ્રેલિયાની કિયાના એલિયટે ૨૧૨ કિલોગ્રામ વજન ઉઠાવીને જીત્યો.
મુથુપંડી રાજા (પુરુષ, ૬૫ કિલો): મુથુપંડી રાજા પુરુષોની ૬૫ કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલથી માત્ર એક કિલોગ્રામના અંતરે ચૂકી ગયો. તેણે કુલ ૨૯૬ કિલોગ્રામ વજન ઉઠાવ્યું, જ્યારે મલેશિયાના મોહમ્મદ અઝનિલ બિન બિદિને ૨૯૭ કિલોગ્રામ સાથે ગોલ્ડ મેડલ જીત્યો.
સ્નેહા સોરેન (મહિલા, ૫૩ કિલો): સ્નેહા સોરેને ૫૩ કિલો સિનિયર કેટેગરીમાં કુલ ૧૮૫ કિલોગ્રામ (૮૧ કિલો સ્નેચ + ૧૦૪ કિલો ક્લીન એન્ડ જર્ક) વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો. આ કેટેગરીમાં નાઈજીરીયાની ઓમોલોલા ઓનોમે દિધીએ ગોલ્ડ મેડલ જીત્યો.
અન્ય સ્પોર્ટ્સ અપડેટ
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: ભારતની સ્ટાર શટલર પી.વી. સિંધુએ પેરિસમાં ચાલી રહેલી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં શાનદાર શરૂઆત કરી. તેણે બલ્ગેરિયાની કાલોયાન નલબન્ટોવાને ૨૩-૨૧, ૨૧-૬ થી હરાવીને પહેલા રાઉન્ડમાં જીત મેળવી. ભારતના પ્રણોય પણ રાઉન્ડ ઓફ ૩૨માં પહોંચી ગયા છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
