<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ભારત અને પાકિસ્‍તાનના ખેલાડીઓ પ્રેક્‍ટીસમાં મળ્‍યાઃ કોઈએ એકબીજા સાથે વાત ન કરી

 

નવી દિલ્‍હીઃ એશિયા કપ ૨૦૨૫ની આજથી શરૂઆત થઈ રહી છે. નેટ્‍સ પ્રેક્‍ટિસમાં ભારત અને પાકિસ્‍તાન બંને ટીમો સામસામે પણ આવી, પરંતુ ખાસ વાત એ રહી કે, બંને ટીમો જ્‍યારે એક જ સ્‍થાને પ્રેક્‍ટિસ કરવા પહોંચી તો તેમની વચ્‍ચે કોઈ વાતચીત ન થઈ.

અહેવાલ પ્રમાણે જ્‍યારે ભારત અને પાકિસ્‍તાનના ખેલાડીઓ એક જ સ્‍થાને પ્રેક્‍ટિસ માટે પહોંચ્‍યા, તો તેમની વચ્‍ચે કોઈ હાય-હેલો ન થયું. બંને ટીમોએ પોતપોતાની પ્રેક્‍ટિસ પૂર્ણ કરી અને વાતચીત કર્યા વિના જ મેદાનમાંથી પરત ફરી ગયા. એ સ્‍પષ્ટ દેખાયું કે, મેદાનમાં ઉતરતા પહેલા બંને ટીમો એકબીજા પ્રત્‍યે કેટલી ગંભીર અને કેન્‍દ્રિત છે.

ભારતીય ટીમે દુબઈમાં આઈસીસી ક્રિકેટ એકેડેમીમાં પોતાનું બીજું ટ્રેનિંગ સેશન રાખ્‍યુ હતું. ટીમનું આ સેશન ત્રણ કલાકથી વધુ ચાલ્‍યું. અહેવાલ પ્રમાણે તમામ સ્‍પેશિયાલિસ્‍ટ બેટ્‍સમેનોએ લગભગ એક કલાક સુધી બેટિંગની પ્રેક્‍ટિસ કરી. કોચ ગૌતમ ગંભીરે ટીમની તૈયારી પર નજર રાખી. ટીમના ટ્રેનર એડ્રિયન લે રોક્‍સે ખેલાડીઓને  ફિટનેસ ડ્રીલ કરાવી, જ્‍યારે સીતાંશુ કોટક સ્‍કોરિંગ સંભાળતા જોવા મળ્‍યા.

બીજી તરફ પાકિસ્‍તાનની ટીમે પણ એશિયા કપ પહેલા પોતાની તૈયારી વધારી દીધી છે. તેઓએ નેટ્‍સ એરિયાના એ ભાગમાં પ્રેક્‍ટિસ કરી જે ખૂબ અલગ-થલગ હતો. ત્‍યાં તેઓએ એવી પિચો પર પ્રેક્‍ટિસ કરી જ્‍યાં બોલ ટર્ન થઈ રહ્યો હતો અને અસમાન ઉછાળ આપી રહ્યો હતો. પાકિસ્‍તાનની રણનીતિ સ્‍પષ્ટ દેખાઈ કે તેઓ ભારત સામેની મોટી મેચ પહેલા મુશ્‍કેલ પરિસ્‍થિતિઓ માટે પોતાને તૈયાર કરવા માગે છે

(2:50 PM IST)